Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

અમદાવાદમાં કાર ભાડે આપવાનું કહી નિવૃત અધિકારીઓના 78 લાખ પાંડવનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: કિરણ પટેલે માત્ર બનાવટી અધિકારી તરીકે પ્રથમ ગુનો નથી આચર્યો પણ તે ગુનાહિત પ્રવૃતિ કરવા ટેવાયેલો છે. તેણે વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં કાર ભાડે આપવાનું કહીને ૧૮ જેટલા નિવૃત પોલીસ અધિકારીઓને ૭૮ લાખનો ચુનો ચોપડયો હતો. તેમજ બાયડના વેપારીને તમાંકુનો વેપાર કરવાનું કહીને પોણા બે કરોડ રૂપિયા લીધા હતા.  જ્યારે વડોદરામાં વર્ષ ૨૦૧૮માં નવરાત્રીનું આયોજન કરવાનું કહીને લાઇટ ડેકોરેશનના સંચાલક સાથે લાખોની છેતરપિંડી કરી હતી. આમ,  મિસ્ટર નટવરલાલ કિરણ પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને અનેક લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરી હતી.ભેજાબાજ કિરણ પટેલ વિરૂદ્વ અનેક ગુના નોંધાયેલા છે. જેમાં તેણે મનીષ પટેલ નામના વ્યક્તિ સાથે મળીને  વર્ષ ૨૦૧૭માં નિવૃત ડીવાયએસપી એમ કે પરમાર સહિત ૧૮ પોલીસ અધિકારીઓને વિશ્વાસમાં લઇને કહ્યું હતું કે વડતાલ સ્વામીનારાયણ મંદિરના સંતો માટે ગાડીઓની જરૂર છે. જેમાં કાર દીઠ પ્રતિમાસ ૨૫ થી ૩૦ હજારની રકમ મળશે તેવી ખાતરી આપી હતી. જેથી એમ કે રાણા સહિત ૧૮ જેટલા અધિકારીઓ નવી ગાડીઓ ખરીદીને કિરણ પટેલને આપી હતી.જો કે પછી કારનું ભાડું આપ્યું નહોતુ. જે અંગે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા તેને જેલની હવા ખાવી પડી હતી. જ્યારે બાયડના આશિષ પટેલ સાથે કિરણ પટેલે અન્ય આરોપીઓ સાથે મળીને સવા કરોડની છેતરપિંડી કરી હતી.  જેમાં તેણે તમાંકુ અને પશુઓના આહારનો ધંધો કરવાના નામે રૂપિયા ૧.૭૫ કરોડ લીધા હતા. જે પૈકી  તેની સાથે રહેલા અન્ય લોકોએ ૪૯ લાખ રૂપિયા ચુકવી આપ્યા હતા. પરંતુ, કિરણ પટેલે સવા કરોડ ચુકવ્યા નહોતા. આ કેસમાં તેને ત્રણ મહિના જેલમાં રહેવું પડયું હતું.જ્યારે વડોદરામાં વર્ષ ૨૦૧૮માં નવલખી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રીનું આયોજન કરીને જૈન ડેકોરેટર્સ વ્યવસાય કરતા પરિતોષ શાહને  ૧૦ લાખ રૂપિયા ચુકવ્યા નહોતા. જો કે રાજકીય વગનો ખોટો ઉપયોગ કરીને તેણે  આ ફરિયાદ રદ કરાવી હતી. આ ઉપરાંત, પણ તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પરંતુ, તેની રાજકીય વગના કારણે મામલો પોલીસ સુધી પહોંચે તે પહેલાં જ સમાધાન પર આવી જતો હતો. 

(7:42 pm IST)