Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

સોલાર પંપ સહાય યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ૩૯૧૫ અગરિયા કુટુંબોને રૂ. ૯૪.૧૨ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી: મીઠા ઉદ્યોગ રાજ્ય મંત્રી

ગાંધીનગર :ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે રાજ્યના અગરિયાઓ માટેની સોલારપંપ સહાય યોજના અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મીઠા ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સોલાર પંપ સહાય યોજના વર્ષ ૨૦૧૭થી અમલમાં આવી ત્યારથી લઇ પૂર્ણ થઇ ત્યાં સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૫,૪૯૬ અરજીઓ મળી હતી. જે પૈકીના ૩૯૧૫ કુટુંબોને રૂ. ૯૪.૧૨ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે બાકીની અરજીઓ પૈકી ૨૫૨ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે અને ૧૩૨૯ અરજીઓ પૂર્તતા હેઠળ કાર્યવાહીમાં છે. જેના માટે આ વર્ષના બજેટમાં રૂ. ૧૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સભ્ય દ્વારા પૂછવામાં આવેલા અન્ય પેટા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજનાથી અગરિયાઓના શારીરિક શ્રમમાં અને પારંપરિક ઇંધણથી ચાલતા પંપ બંધ થતા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત અગરિયા કુટુંબદીઠ વાર્ષિક અંદાજે રૂપિયા બે લાખના ડિઝલની બચત થતા તેમના જીવન ધોરણમાં પણ નોંધપાત્ર બદલાવો આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, અગાઉ મીઠાના ઉત્પાદન બાદ આડ પેદાશ સ્વરૂપે નીકળતા પાણીને(બીટર્નને) અગરમાં જ છોડી દેવામાં આવતા. આ બીટર્નમાંથી મેગ્નેશિયમ ક્લોરાઈડ, સોડીયમ બાયકાર્બોનેટ (ખાવાનો સોડા) અને બ્રોમીન જેવા મીનરલ બનતા હોવાથી અગરિયાઓ હવે બીટર્નનું પણ વેચાણ કરીને પૂરક આવક મેળવી રહ્યા છે.
રાજ્ય મંત્રીએ અગરિયાઓને રણમાં મળતી સુવિધાઓ અંગે વાત કરતા ઉમર્યું હતું કે, અગરિયાઓ માટે અગરમાં જ મોબાઇલ મેડીકલ વાન દ્વારા શારીરિક તપાસ અને દવાઓનું વિનામૂલ્યે વિતરણ, ટેન્કરો દ્વારા વિનામૂલ્યે પીવાનું પાણી, મીઠા એકમો માટે એપ્રોચ રસ્તાનું બાંધકામ, બાલવાડી, આંગણવાડી, સ્કૂલનો યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટ જેવી વિશેષ સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત તેમની સલામતી માટે ૪૦ હજાર રક્ષણાત્મક કીટનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં ગોગલ્સ, હાથનાં મોજાં, માથાની કેપ અને ગમ બુટ જેવી વિવિધ ઉપયોગી વસ્તુઓનો સમાવેશ થાય છે.
તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અગરિયાઓના ૬ થી ૧૪ વર્ષની વયજુથના બાળકોને શિક્ષણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાના હેતુથી કુલ ૧૯ રેસિડેંસિયલ હોસ્ટેલો તૈયાર કરી છે. આ ઉપરાંત સ્થળાંતર કરતાં પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ના રહે અને કામના સ્થળે બાળકોને શિક્ષણની સુવિધા તેમજ ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે "સ્કુલ ઓન વ્હીલ" પ્રોજેક્ટ હેઠળ તમામ જરૂરી સુવિધાઓ સાથેની ૪૮ અદ્યતન બસો કાર્યરત છે

(7:32 pm IST)