Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

સુરતમાં પુણા ગામના વેપારીને કાકા સસરાના નામે ઓળખ આપી વિશ્વાસમાં લઇ 53.52 લાખનો તોડ કરતો ભેજાબાજ ઠગ

ક્રાઇમ બ્રાન્‍ચમાં ફરિયાદ થતા પોલીસે આરોપીઓ હિરેન લીંબાસિયા તથા પ્રવિણ થાનકીની ધરપકડ કરી

સુરત: પુણા ગામના યુવક પાસેથી યુએસડીટી ટ્રાન્સફર કરાવી 43.52 લાખની ઠગાઈ આચરવાના ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પુણાગામ સરદાર કોમ્પલેક્ષમાં રહેતા ધવલભાઈ જ્યસુખ વીકાણી ફાસ્ટફુડની સાથે શેરબજાર અને કરન્સી માર્કેટનો વેપાર કરે છે. ધવલ વીકાણીના કાકા સસરા અડાજણની આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. જ્યાં જય નામનો શખ્સ આંગડિયા માટે આવતો હોવાથી ઓળખાણ થઈ હતી. જયે વેપારીના કાકા સસરાને યુએસડીટી ટ્રાન્સફર કરાવવાની વાત કરી હતી. 

આથી કાકા સસરાએ જયને ધવલ વીકાણીનો નંબર આપી દીધો હતો. પછી 20મી ફેબુઆરીએ વેપારીને કોલ કરી ગઠીયાએ પોતાની ઓળખ જય ડોડિયા તરીકે આપી હતી. ધવલ વીકાણીએ પહેલા તો યુએસડીટી ટ્રાન્સફર કરવાની ના પાડી અને રૂબરૂ આવવા માટે જણાવ્યું હતું. જો કે ગઠીયાએ આંગડિયા પેઢીમાં કામ કરતા કાકા સસરા પહેલા પાનનો ગલ્લો ચલાવતા હતા હું સારી રીતે ઓળખું છું એમ કહી વેપારી સાથે કાકા સસરાની વાત કરાવી હતી.

આથી વેપારીએ તેના પર વિશ્વાસ કરી લીધો હતો. યુએસડીટી ટ્રાન્સફર કરતાં રૂપિયા રાંદેર ખાતે મળી જવાનું ગઠિયાએ જણાવતા વેપારીએ 50 હજાર યુએસડીટી ટ્રાન્સફર કરી દીધા હતા. જો કે બાદમાં લાખોની રકમ ન આપી બન્ને ગઠીયાઓ ફરાર થતા આખરે વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જેથી સાયબર ક્રાઈમ પોલીસે તપાસ આરંભી હતી. જેમાં પોલીસે હિરેન લીંબાસિયા અને પ્રવીણ થાનકી નામના બે ઠગ બાજો ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. 

(6:01 pm IST)