Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ચામુંડા બ્રીજ નજીક નકલી ઘી બનાવવાના કાંડનો પર્દાફાશ

૩.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો : ભાડે દુકાન રાખી આરોપીઓ વનસ્પતિ ઘી અને પામોલિન અસલી ઘીમાં ભેળવી નકલી ઘી બનાવી રહ્યા હતા : રિપોર્ટ

અમદાવાદ, તા.૧૯ : શહેરના અસારવા વિસ્તારમાં ચામુંડા બ્રીજ પાસેથી શહેર ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે નકલી ઘી બનાવવાનું કૌભાંડ પકડી પાડયું હતુ. પોલીસે ઘટનાસ્થળેથી અમૂલના પાઉચ અને ડબ્બા સહિત રૂ.૩.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના અસારવા વિસ્તારમાં ચામુંડા ્બ્રીજ પાસે ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ચોક્કસ  બાતમીના આધારે સુમેલ બિઝનેસ પાર્ક-૫માં આવેલી દુકાનમાં દરોડા પાડ્યા હતા. દુકાનમાંથી અમૂલ ઘીના પાઉચ અને ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે અમૂલના કર્મચારી પાસે ખાતરી કરાવતા ઘી નકલી હોવાનું જણાવ્યું હતું. એફએસએલના અધિકારી પાસે તપાસ કરાવતા પામોલિન અને વનસ્પતિ ઘી મિક્સ કરી અને નકલી ઘી બનાવતા હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસે ઘી બનાવવાના સાધન, ઘીના પાઉચ અને ડબ્બા વગેરે સહિત રૂ. ૩.૪૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં નવરંગપુરામાં રહેતા ભરત પટેલ નામના શખ્સની માલિકીની આ દુકાન હોવાનું બહાર આવ્યું હતું. તેણે બનાસકાંઠાના માલગઢના રહેવાસી રમેશ સાંખલા અને ડીસાના માળી નેમાભાઈને ભાડે દુકાન આપી હતી. ત્યારબાદ આ બંને શખ્સો તેમની ટોળકી અને સહઆરોપીઓની મદદથી વનસ્પતિ ઘી અને પામોલિન અસલી ઘીમાં ભેળવી નકલી ઘી બનાવવાનું કૌભાંડ આચરતા હતા. પોલીસે હવે આ બંને શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. સાથે  સાથે આ બંને આરોપીઓ કેટલા સમયથી આ નકલી ઘી બનાવવાનું કૌભાંડ ચલાવતા હતા અને સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતના મુદ્દાઓની તપાસ શરૂ કરી છે.

 

(9:34 pm IST)