Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

મહેસાણાના ખેરાલુમાં ભારતીય બનાવટનો દારૂ સંતાડીને લઇ જતી એક કારને પોલીસે ઝડપી બે ની અટકાયત કરી

મહેસાણા:ખેરાલુમાં આવેલ શીતકેન્દ્ર નજીકથી પોલીસે ભારતીય બનાવટનો દારૂ સંતાડી જઈ રહેલી એક કાર કબજે લીધી હતી. જેમાં બેઠેલા રાજસ્થાનના બે વ્યક્તિની ધરપકડ કરીને રૂ.૧૩૨૬૯૨ની મત્તા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લોકસભાની ચુંટણી તેમજ હોળી-ધૂળેટીના તહેવારો નિમિત્તે મહેસાણા જિલ્લામાં દારૂ-જુગારની બદીઓ અટકાવવા માટે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. જોકે બુટલેગરોએ પણ દારૂની હેરાફેરી કરવા માટે પોતાની મોડસઓપરેન્ડી બદલીને કાર જેવા વાહનોમાં ચોરખાનાઓ બનાવી વિદેશી દારૂનો વેપાર કરવા તજવીજ હાથ ધરી છે.

આ કેસની સુત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર મહેસાણા જિલ્લામાં હોળી-ધૂળેટીના તહેવાર અને લોકસભાની ચુંટણી અંતર્ગત દારૂ-જુગારની બદીઓ અટકાવવા પોલીસે ઝુંબેશ આરંભી છે. જેમાં ખેરાલુના પીએસઆઈ આર.એન.પ્રસાદ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે વખતે મળેલી બાતમી આધારે ખેરાલુ હાઈવે પરના શીતકેન્દ્ર નજીક વોચ ગોઠવી હતી. તે વખતે શંકાસ્પદ રીતે પસાર થયેલી સેન્ટ્રો કારને થોભાવી અંદર તપાસ કરતાં હેડલાઈટ, પાછળની બ્રેક લાઈટ, વાઈપર તેમજ સીટ નીચે કિમીયો અજમાવી સંતાડેલી વિદેશી દારૂની ૧૩૫ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે કાર ચાલક મુલારામ શાદલાજી રબારી તેમજ દેવારામ ભબુતાજી રબારી (બન્ને રહે.નાગપુરા, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂના જથ્થા સાથે રૂ.૧૩૨૬૯૨ની મત્તા કબજે કરી વધુ તપાસ આરંભી છે.

(5:46 pm IST)