Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ખુબસુરત યુવતીઓની મદદથી મિત્રતાઃ દેશભરમાં કરોડો રૂ.નું કૌભાંડ

કેન્સર સંશોધનમાં વપરાતું સાડા ત્રણ લાખ રૂ.નું લીટર નાર્કોજીન ઓઇલ સપ્લાય કરવાના નામે આંતરરાષ્ટ્રીય ફ્રોડઃ અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસમાં ધડાકો : નાઇજીરીયન બેંકમાં રૂપીયા ટ્રાન્સફર થતાઃ દેશની બીજી કઇ-કઇ બેંકમાં ખાતા છે? ચોક્કસ યુવતીઓના ફેસબુક એકાઉન્ટસ તપાસતા પીઆઇ બારડ ટીમ

રાજકોટ, તા., ૧૯: સુખી સંપન્ન લોકોને મહિલાના નામે ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેની સાથે ગાઢ સંબંધ રાખી વિશ્વાસમાં લીધા બાદ એ મહિલા દ્વારા કેન્સર રીચર્સ માટેની દવાનો પોતે બીઝનેસ કરે છે તેના બ્રોસર સહીતની વિગતો મુકી વિશ્વાસ બેસી ગયે દેશભરમાં કરોડો રૂપીયાની છેતરપીંડી કરનાર નાઇજીરીયનની તપાસમાં અમદાવાદ સાયબર ક્રાઇમના પીઆઇ વી.બી.બારડની પુછપરછમાં ધડાકા જેવી ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવી છે.

અમદાવાદમાં સુરેશકુમાર વોરા નામના વેપારી સાથે એક મહિલાએ ફેસબુક દ્વારા  મિત્રતા કેળવી કેન્સર રિસર્ચની દવા કે જેના લીટરના ભાવ સાડા ત્રણ લાખ રૂપીયા છે. તેવી દવાનો ઓર્ડર મેળવી દવાની પોતે જ ઉભી કરેલી ગેંગ દ્વારા તપાસ કરાવી બેંકમાં ૬પ લાખ જમા કરાવી છેતરપીંડી કર્યાની ફરીયાદ અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ, ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ સંયુકત પોલીસ કમિશ્નર જી.આર.મોથલીયા, ડીસીપી રાજદીપસિંહ ઝાલા સમક્ષ થતા તેઓના માર્ગદર્શનમાં જ તપાસ શરૂ કરી હતી.

આરોપીઓ રાજસ્થાન, મુંબઇ, તામીલનાડુથી આવું રેકેટ ચલાવતા હોય અમદાવાદ સાયબર ક્રાઇમની ટુકડી ત્યાં પહોંચી ૭ આરોપીઓને ઝડપી છેતરપીંડીના આધુનિક ઉપકરણો તથા બે લાખ જેવો મુદામાલ કબ્જે કરેલ છે.

આરોપીઓની બેંંક એકાઉન્ટોની વિગતો ચેક કરતા દેશભરમાં આવી કેન્સરની દવાના નામે મોટા પાયે છેતરપીંડી કરી કરોડો રૂપીયા બેંકમાં જમા કરાવી. નાઇજેરીયામાં મોકલી આપ્યાનું બહાર આવેલ છે. આરોપીઓના આ રેકેટમાં બીજા કોણ-કોણ  સંડોવાયેલા છે? આરોપીઓના બેંકના બીજા ખાતા કંઇ કંઇ બેંકમાં  છે તે સાથે ખુબસુરત યુવતીઓના ફેસબુક એકાઉન્ટો પણ પોલીસ દ્વારા ચકાસાઇ રહયાનું  સુત્રો જણાવે છે.

(3:52 pm IST)