Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

સાવધાનઃ ફેસબુક પર હથિયાર સાથેના ફોટા જેલયાત્રા કરાવશે

લોકસભાની ચૂંટણી સમયે આ પ્રકારના ફોટા મુકી લોકોને ડરાવતા તત્વો સામે ગુજરાતમાં સૌ પ્રથમ વખત આઇપીએસ અશોકકુમાર યાદવનો અનોખો પ્રયોગ : ધારીમાં, પાકિસ્તાન જેવા શબ્દો સાથે અરબી ભાષામાં નારા લગાવી પોલીસ સામે થનારા પિતા-પુત્રને ખો ભુંલાવી દેવાઇઃ કેન્દ્ર અને રાજયની ગુપ્તચર એજન્સીઓને પણ રિપોર્ટ કરવા ડીઆઇજી દ્વારા આદેશ : ગણતરીના દિવસોમાં ૧૬૫૦ થી વધુ અપરાધીક માનસીકતાવાળાઓને જેલમાં મોકલનાર ભાવનગર-બોટાદ અને અમરેલી જીલ્લાની હકુમતવાળી રેન્જના વડા અશોકકુમાર યાદવ અકિલાના માધ્યમથી જણાવે છે કે લોકોએ આ પ્રકારના ફોટા શેર ન કરવા પરંતુ ન્યાયી અને ભયમૂકત ચૂંટણીના પાયાના સિધ્ધાંતને સાકાર કરવા લોકોને પોલીસને જાણ કરી સહકાર આપવા માટે અપીલ કરી છે

રાજકોટ, તા., ૧૯: ભાવનગર-અમરેલી અને બોટાદ જીલ્લો જેમની અન્ડરમાં આવે છે તેવા ભાવનગર રેન્જના સૌથી નાની ઉંમરે ભાવનગર રેન્જ વડા બનેલા અશોકકુમાર યાદવે લોકસભાની ચૂંટણી અંતર્ગત અપરાધિક માનસિકતા ધરાવતા લોકોને સળિયા પાછળ ધકેલનાર તથા ત્રણેય જીલ્લામાં ૪૭ થી વધુ ચેકપોસ્ટ ઉભી કરનાર અને હથીયારધારી લાયસન્સવાળાઓના લાયસન્સ પણ તાકીદે જમા કરાવી ત્રણેય જીલ્લામાં અર્ધલશ્કરી દળોની ફલેગ માર્ચ યોજનાર ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવે ગુજરાતમાં સૌ પ્રથમ નવો પ્રયોગ કરી એક ડગલું આગળ વધ્યા છે.

સોશ્યલ મીડીયામાં પોતાના ફોટા, બંદુકો, રિવોલ્વરો જેવા હથીયારો સાથે મુકવાનો ઘણો ક્રેઝ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ચોક્કસ ગામના ચોક્કસ લોકોને આવા ફોટા મુકવાનો ગર્વ છે. ઘણા તો આ પ્રકારના વિડીયો બનાવી જન્મદિવસ કે લગ્નદિવસ કે બીજા પ્રસંગોએ સોશ્યલ મીડીયા મારફત ફેસબુક કે વોટસએપમાં મુકતા હોય છે. વાત આટલેથી અટકતી નથી ઘણા લોકો આ પ્રકારના ફોટાઓ શેર કરતા હોય છે આવા ફોટાઓને કારણે ઘણી વખત આડકતરી રીતે નિર્દોષ અને સામાન્ય પ્રજાને ડરાવવાનો હેતુ હોય છે તેવું પોતાના અનુભવને કારણે ખુબ સારી રીતે સમજતા ભાવનગર રેન્જના તરવરીયા આઇપીએસ અશોકકુમાર યાદવે પોતાની હકુમત હેઠળના ત્રણેય જીલ્લામાં આવા ફોટા મુકનાર તત્વો સામે પગલા લેવાના આદેશો આપતા જ ફફડાટ મચી ગયો છે.

ઉકત બાબતે ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવનો સંપર્ક સાધતા તેઓએ અકિલા સાથેની વાતચીતમાં ફેસબુકમાં હથીયારો સાથે ફોટા મુકનાર અને તેને પ્રોત્સાહન આપી આવા ફોટા શેર કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાઇ રહયાની બાબતને સમર્થન આપ્યું છે.

 અશોકકુમાર યાદવ કે જેઓએ અપરાધીક માનસીકતા ધરાવતા તત્વો સામે કડક હાથે કામ લેવા માટે જાણીતા છે. તેઓએ અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે સૌરાષ્ટ્રમાં ચોક્કસ ગામોમાં આવા ફોટા મુકવાનો ક્રેઝ છે. લોકસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે ત્યારે કાયદો-વ્યવસ્થા માટે એક મહત્વનો સિધ્ધાંત એ છે કે  ચૂંટણી ન્યાયી અને ભયમુકત હોવી જોઇએ. આવા પ્રકારના ફોટાઓ આ પાયાના સિધ્ધાંતમાં સુરંગ મુકવા જેવું કાર્ય કરે છે. બીજા શબ્દોમાં આવી પ્રવૃતી તંત્ર સામે ખુલ્લો પડકાર છે જે કોઇ હિસાબે ચલાવી શકાય નહિ.

અશોકકુમાર યાદવે અકિલાના માધ્યમથી લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે આવા ફોટાઓ તો ન જ મુકવા, પરંતુ કોઇ ગૃપમાં પણ આવા ફોટા શેર ન કરવા. તેઓએ લોકોજોગ જણાવેલ છે કે આવા ફોટાઓ અંગે તંત્રનું ધ્યાન દોરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ કરવા પોલીસને મદદરૂપ બનવું જોઇએ.

ધારીમાં પોલીસ ઉપર હુમલા અને પાકિસ્તાન જેવા શબ્દો સામે અરબી ભાષામાં નારા લગાવનાર પિતા-પુત્રની તલસ્પર્શી તપાસ કરવા માટે અમરેલી એસપી સાથે ચર્ચા થઇ છે. અશોકકુમાર યાદવે જણાવેલ કે પોલીસ સામે દાદાગીરી કરનાર બંન્ને પિતા-પુત્રની આગવી ઢબે પુછપરછ કરી ભવિષ્યમાં  ખોટી રીતે પોલીસ સામે થવાની કોઇ હિંમત ન કરે તેવી કાર્યવાહી થશે. ગુપ્તચર એજન્સીઓને પણ આ બાબતે રિપોર્ટ કરવામાં આવ્યો છે.

(3:51 pm IST)