Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

શેમ્પુના પૈસા કેમ માંગ્યા ? પતિએ પત્નીને ફટકારી : થઇ પોલીસ ફરિયાદ

વાળ ખેંચી માથુ દીવાલ સાથે અથડાવ્યું : પત્નીની ફરિયાદ

અમદાવાદ તા. ૧૯ : અમદાવાદના બાવળા ગામમાં રહેતી ૪૨ વર્ષીય એક મહિલાએ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે તેણે તેના પતિ પાસેથી શેમ્પૂ માટે પૈસા માગતા તેણે તેને ઢસડી હતી અને તેના વાળ ખેંચી દીવાલ સાથે માથુ અથડાવ્યું હતું. પોલીસે આ મામલે મહિલાના પતિ સામે ગુનો નોંધ્યો છે.

મહિલાએ ફરિયાદ નોંધાવતા કહ્યું કે, 'રવિવારે સવારે મારા પતિ ઘરે હતા ત્યારે મેં તેમની પાસેથી થોડા પૈસા માગ્યા હતા, જેને લઈને તેઓ રોષે ભરાયા હતા અને મને અપશબ્દો બોલવા લાગ્યા હતા. મેં જયારે તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે મારા વાળ ખેંચી, મારુ માથું દીવાલ સાથે અથડાવ્યું.'

પીડિત મહિલાએ ૧૮૧ અભયમ હેલ્પલાઈનને આ વિશે જાણ કરી હતી, જે બાદ કાઉન્સેલર બાવળા સ્થિત તેના ઘરે પહોંચ્યા હતા અને તેના પતિને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે તે તેની પત્નીની સાથે ખરાબ વર્તન ન કરે. પરંતુ તેના પતિએ સલાહ પર ધ્યાન આપ્યું નહીં અને મહિલાને ઘર છોડીને જતા રહેવા માટે કહ્યું. જે બાદ મહિલા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદી મહિલાના લગ્નના ૧૫ વર્ષ થઈ ચૂકયા છે. તેણે ફરિયાદમાં જણાવ્યું કે તેનો પતિ કે જે વેસ્ટર્ન રેલવેમાં કલાર્ક તરીકે કામ કરે છે તે અવારનવાર નાની એવી બાબતોમાં તેને માર મારતો હતો. મહિલાએ કહ્યું કે, 'માર જયારે લગ્ન થયા ત્યારથી મારા પતિનો મોટો ભાઈ અને તેની પત્ની અમારી સાથે રહે છે. લગ્નના બીજા જ દિવસથી તેઓ બંને મારૂ શારીરિક અને માનસિક શોષણ કરવા માટે મારા પતિને ભડકાવતા હતા. મારા બંને બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે હું હંમેશા ચૂપ રહી.'

જે બાદ મહિલા અને તેનો પતિ અમદાવાદના શા સ્ત્રીનગર વિસ્તારમાં રહેવા આવી ગયા તેમ છતાં તેના સાસરીવાળા અને તેનો પતિ તેની સાથે ખરાબ વ્યવહાર કરતા જ રહ્યા. જે બાદ કોઈ અંગત કારણોસર આ દંપતિ બાવળા રહેવા ગયા તેમ છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. પરંતુ રવિવારે મહિલાના પતિએ તમામ લિમિટ ક્રોસ કરી તેના વાળ ખેંચીને ફટકારતા મહિલાએ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

(3:50 pm IST)