Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

૨૦૦૦નાં ટોળામાંથી માત્ર ૨ની જ ધરપકડ?

રમખાણ કેસમાં અમદાવાદની કોર્ટનો પોલીસને સવાલ : કોર્ટે પુરાવાના અભાવે પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા અને પૂર્વ કાઉન્સીલર દેવજી કટારીયાને દોષમુકત જાહેર કર્યા

અમદાવાદ તા. ૧૯ : શહેરની સેશન કોર્ટે ૨૦૦૨ના કોમી રમખાણ કેસમાં ૨૦૦૦ લોકોના ટોળામાંથી માત્ર બે વ્યકિતની ધરપકડ કરી અને આવું પણ તે સમયે બન્યું જયારે પોલીસ સ્થળ પર હાજર હતી. જે બાદ કોર્ટે બીજેપીના પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા અને પૂર્વ કાઉન્સેલર દેવજી કટારિયાને દોષમુકત જાહેર કર્યા.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ૨૨ માર્ચ ૨૦૦૨માં મુસ્લિમોના ઘરને નુકસાન પહોંચાડવા બદલ તથા કોમી રમખાણના કેસમાં વાઘેલા તથા કટારિયાની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને કોર્ટ ટ્રાયલમાં મૂકવામાં આવ્યા હતા. કોર્ટમાં જીતુ વાઘેલાએ પોતાના બચાવમાં કહ્યું કે કોમી રમખાણના કેસમાં કોંગ્રેસના સ્થાનિક નેતા ઈકબાલ શેખની ધરપકડ કરાઈ હતી, પરંતુ કેસમાં બેલેન્સ દર્શાવવા પોલીસે તેમની હિન્દુ નેતા તરીકે ધરપકડ કરી. મહિનાની શરૂઆતમાં અપૂરતા પૂરાવા અને શંકાના લાભના આધારે એડિશનલ સેશન જજ વી.જે કાલોતરાએ કહ્યું કે, પોલીસની ચાર્જશીટના કોલમ નં.૨માં સ્પષ્ટ છે કે રમખાણ સમયે ૨૦૦૦ હિન્દુઓનું ટોળું હતું જેમના નામ કે એડ્રેસ ખબર નથી. કોર્ટના ધ્યાને આવ્યું કે, આ ઘટના સમયે ૨૦૦૦ લોકોનું ટોળું ત્યાં હતું, પરંતુ બાદમાં માત્ર ૨ વ્યકિતની ધરપકડ કરવામાં આવે છે. આ શંકા ઉપજાવે તેવી બાબત છે, કારણ કે પોલીસ સ્થળ પર સમયસર પહોંચી ગઈ હતી.

કોર્ટે આગળ કહ્યું કે, ગોધરા કોમી રમખાણ બાદ ચારેય દિશામાં પોલીસ પોઈન્ટ હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કફર્યુ લગાવાયો હતો. પરંતુ તેમ છતાં એકપણ આરોપીની ધરપકડ કે તેનું નામ જણાવાયું નહોતું. આ માની શકાય તેમ નથી. કોર્ટે કહ્યું કે કેસમાં માત્ર ૧૫ સાક્ષીઓ લાવવામાં આવ્યા હતા, જયારે હકીકતમાં ઘટના સમયે સ્થળ પર ઘણા પોલીસ કર્મચારી અને સ્થાનિક લોકો હતા. કોર્ટે ઉમેર્યું કે, આ બાબતો ફરિયાદીના પક્ષે શંકા ઉપજાવે છે.

કોર્ટે નોંધ્યું કે હુમલાખોર ટોળાએ મુસ્લિમોની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ સાક્ષી મોહ્યુદ્દીન પઠાણ જેનું ઘર સળગાવી દેવામાં આવ્યું હતું, તે જૂબાની પરથી ફરી ગયો. અન્ય સાક્ષીઓના જુબાનીમાં અને કોર્ટને મળેલા પુરાવાઓમાં વિરોધાભાસ જોવા મળ્યો. પંચ સાક્ષીઓ પણ જુબાની પરથી ફરી ગયા હતા.

(3:50 pm IST)