Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

વલસાડનાં મરોલી ગામનો ટપાલી સુકન્‍યા સમૃદ્ધિ યોજનાના ખાતેદારોના રૂપિયા પોણો લાખ ચાંઉ કરી ગયો

ઉમરગામ :- દિકરી સાપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે. આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન સાથે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. જે દીકરીઓ માટે ભેટ સમાન છે. આ યોજનામાં માતા પિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની સુકન્યા સમૃધ્ધિ યોજનામાં ઉમરગામ તાલુકાના મરોલી પોસ્ટ ઓફિસમાં આ યોજના હેઠળ ખાતું ખોલાવનારા સાત ખાતેદારોના 70 હજાર રૂપિયા પોસ્ટ ઓફિસનો ટપાલી જ ચાઉ કરી જતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી ગામના પોસ્ટ ઓફિસના ટપાલી દ્વારા સાત ખાતેદારના 70,000 રૂપિયા ચાઉં કરી ગયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. મરોલી પોસ્ટ ઓફીસમાં ટપાલી તરીકે ફરજ બજાવતા ચિરાગ ઈશ્વર કોળીએ તારીખ 19/5/2017 થી 20/11/2017 દરમિયાન રૂપિયા ખાતેદારો પાસેથી રિકવરી કરી સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતેદારોના રૂપિયા 70 હજાર ખાતામાં જમા ન કરાવ્યા હતા. તથા તેના અંગત ખર્ચામાં આ રૂપિયા વાપરી નાખ્યા હતા.

ટપાલી દ્વારા આ પ્રકારની ગંભીર ગેરરીતિ આચરી ટપાલીએ સરકાર અને ખાતેદાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા હોવાનું પોસ્ટ ખાતાની તપાસમાં બહાર આવતા ખાતાના અધિકારી વિરેન્દ્ર પ્રસાદ સિંગે નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ટપાલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતને મરીન પોલીસે ગંભીરતા દાખવી તાત્કાલિક આરોપી ચિરાગ ઈશ્વર કોળીની અટકાયત કરી હતી.

હાલ નારગોલ મરીન પો.સ્ટે.ના પીએસઆઇ સાલુંકેએ આગળની તપાસ હાથ ધરી છે. જેમાં આ ટપાલી એ આ પહેલા કોઈ ગેરરીતિ કરી છે કે કેમ, અન્ય ખાતેદારોના પૈસા પણ ચાઉ કર્યા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે

 

(3:03 pm IST)