Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ગરીબ, દલિત અને વંચિતના વિકાસ માટે સરકાર કટિબદ્ધ

સામાજિક ન્યાય અધિકારીની માંગ પસાર થઇઃ સામાજિક, શૈક્ષણિક અને પછાત વર્ગોની ૧૪૬ જાતિઓ માટે ૧૫૦ કરોડની જોગવાઈ કરાઈ : આહિરની ખાતરી

અમદાવાદ,તા.૧૯ : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું છે કે, આ સરકાર ગરીબો, દલિતો, વંચિતોનાં સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેથી જ ગત વર્ષ કરતાં ૧૦૦૦ કરોડ વધુ ફાળવાયા છે. વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠલની અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની ૧૦૬૫.૩૫ કરોડ સહિત અનુસૂચિત જાતિ પેટા યોજના માટે ૪૮૮૬.૦૫ કરોડ, આર્થિક પછાત વર્ગો સહિત બક્ષીપંચ જાતિ કલ્યાણ માટે ૧૮૩૬.૪૦ કરોડ અને સમાજ સુરક્ષા માટે ૭૩૫.૯૨ કરોડ મળી કુલ ૭૪૫૮.૪૪ કરોડની માંગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી છે. આ માંગણીઓ ગત વર્ષ કરતાં ૧૦૩૭.૧૨ કરોડ વધુ છે.  મંત્રીએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની માંગણીઓ સંદર્ભે જણાવવાનું કે આ સરકાર દલિતોની સુરક્ષાઓની વિશેષ તકેદારી રાખી છે. તેમની સુરક્ષા તેમજ તેમને સમયસર ન્યાય મળે તે માટે અત્યાચાર ધારાનાં પ્રમાણીત અમલ માટે દેશભરમાં અગ્રેસર કહેવાય તેવા પગલાં લીધા છે. કોર્ટ કેસથી નિકાલ સુધી ફરીયાદને મદદરૂપ થવા ૧૬ જિલ્લાઓમાં એકસ્કયલુઝીવ સ્પેશીયલ કોર્ટ અને ૨૭ ડેઝીગ્નેટેડ સ્પેશ્યલ કોર્ટ કુલ મળી ૪૩ ખાસ કોર્ટની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં ફરિયાદને માર્ગદર્શન મળી રહે અને મદદરૂપ થવા ૪૫૯ કેસ ઓફિસરોની નિમણૂંક કરી છે. મંત્રીએ જણાવ્યું કે, ખૂન-બળાત્કાર જેવા ગંભીર કેસોમાં ફરિયાદીને સરકારી વકીલની સેવા ઉપરાંત ખાનગી વકીલ રાખવા ૭૫૦૦૦ની સહાય યોજના અમલી બનાવી છે. મંત્રીએ જણાવ્યું છે કે, અનુસુચિત જાતિનાં કોઈપણ બાળક શિક્ષણની વંચિત ન રહી જાય તે માટે રાજય સરકારે ખાસ તકેદારી રાખી છે. સમગ્ર ન્યાયનું સમગ્ર દેશમાં શ્રેષ્ઠ ઉદાહરણ સામાજિક સમરસતા સાથે  ગુજરાતમાં ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. મંત્રીએ જણાવ્યું કે વર્ષે એક વિદ્યાર્થી દીઠ ૬૫,૦૦૦ ખર્ચ કરી દર વર્ષે ૬૮ કરોડનાં ખર્ચે ઉત્તમ વ્યવસ્થા આપવામાં આવી રહી છે. મંત્રીએ જણાવ્યું કે તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સંજોગોને લઈ શિક્ષણમાં મદદરૂપ થવા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ નાણાં મંત્રીએ ૯૦૭ કરોડ ફાળવ્યા છે.

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજ્ય મંત્રી વાસણભાઈ આહીરે અંદાજપત્રીય પરની ચર્ચામાં જણાવ્યું હતું કે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી વિમુક્ત જાતિઓ તેમજ લઘુમતીઓનાં વિકાસ માટે ચાલુ યોજના માટે ૧૧૪૯ કરોડ તેમજ નવી યોજના માટે ૬૮૬ કરોડ મળી ને કુલ ૧૮૩૬ કરોડની વધુ રકમ ફાળવવામાં આવી છે. રાજ્યમાં બિન અનામત વર્ગોનાં અંદાજે ૫૮ જેટલી જ્ઞાતિઓનાં શૈક્ષણિક તથા આર્થિક રીતે નબળા કુટુંબો માટે ૫૦૬ કરોડની જોગવાઈ કરાઈ છે. સીઈબીસી હેઠળ આવતી વિવિધ ૧૪૬ જાતિઓનાં વિકાસ માટે અંદાજે ૧૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે, તેમ પણ રાજ્ય મંત્રીએ ઉમેર્યું હતું.

(9:51 pm IST)