Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મહિલાના બેન્ક એકાઉન્ટથી ૧.૯૮ લાખ ઉપાડી લેવાયા

ઓનલાઇન ફ્રોડ, સાઇબર ક્રાઇમમાં વધારોઃ વટવામાં ગઠિયાએ ઘેર બેઠા કમાવવાની લાલચ આપીને ૫૧ હજાર પડાવ્યા : યુવતીના ખાતાથી ૨૫ હજાર ડેબીટ

અમદાવાદ,તા. ૧૯ : શહેરમાં ઓનલાઇન ફ્રોડ અને સાઇબર ક્રાઇમની ઘટનાઓ દિનપ્રતિદિન વધતી જાય છે. આધુનિક યુગમાં ઇન્ટરનેટ અને ઓનલાઇન બેંકીંગ, ઇ ટ્રાન્ઝેકશનનો વ્યાપ વધતો જાય છે તો સામે સાઇબર ક્રાઇમના કિસ્સાઓ પણ નોંધનીય રીતે વધી રહ્યા છે. શહેરમાં ત્રણ અલગ-અલગ બનાવોમાં આ પ્રકારે એક મહિલા, યુવતી સહિત ત્રણ જણાં ઓનલાઇન ફ્રોડનો શિકાર બન્યા છે. આ ત્રણેય બનાવો અંગે શહેર પોલીસે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવોની વિગત એવી છે કે, શહેરના સેટેલાઇટ વિસ્તારમાં સિલ્વરલીફ ફલેટમાં રહેતા કિશોરીબહેન શાહ ગુલબાઇ ટેકરા ખાતે સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં જોઇન્ટ સેવિંગ્સ એકાઉન્ટ ધરાવે છે. થોડા મહિના પહેલાં તા.૧૫-૧૧-૨૦૧૭ના રોજ બેંકના લેન્ડલાઇન નંબર પરથી તેમની પર રશેન્દુ શાહ નામના વ્યકિતનો ફોન આવ્યો હતો, તેણે કિશોરીબહેનને મોબાઇલ નંબર બદલાવવા માટે સૂચન કર્યું હતું. બાદમાં કોઇ અજાણી વ્યકિતએ બેંકમાં ફોન કરીને કિશોરીબહેનનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલાવી તેમના ખાતામાંથી રૂ.૧.૯૮ લાખ ઉપાડી લીધા હતા. જે અંગે કિશોરીબહેનને જાણ થતાં તેમણે ગુજરાત યુનિવર્સિટી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. અન્ય એક બનાવમાં શહેરના વટવા વિસ્તારમાં સ્મૃતિ દર્શન સોસાયટીમાં રહેતા હિતેશભાઇ ધનીરામ કોષ્ટી પર રાહુલ નામના કોઇ યુવકે ટેલિફોનીક સંપર્ક કરી ઘરેબેઠા રૂ.૧૦થી ૧૫ હજાર કમાવવાની લાલચ આપી હતી. રાહુલે કંપનીના રજિસ્ટ્રેશન માટે શરૂઆતમાં માત્ર રૂ.૫૫૦ ભરવા હિતેશભાઇને જણાવ્યું હતું, તેથી હિતેશભાઇએ રૂ.૫૫૦નું પેટીએમ કર્યું હતું. એ પછી રાહુલ નામના શખ્સે અલગ-અલગ બહાના હેઠળ હિતેશભાઇ પાસેથી આશરે રૂ.૫૧ હજાર રૂપિયા પડાવી લીધા હતા. હિતેશભાઇને આખરે છેતરપીંડીનો ખ્યાલ આવી જતાં તેમણે આ અંગે વટવા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ જ પ્રકારના અન્ય એક બનાવમાં, વટવા વિસ્તારમાં સપના સંકેત સોસાયટીમાં રહેતા અને સીકયોરીટીમાં નોકરી કરતાં ગોવિંદસિંહ ફુલાભઆઇ બારડની પુત્રી બેંક ઓફ બરોડામાં ખાતુ ધરાવતી હોઇ ગત માર્ચ મહિનામાં તેનું એટીએમ કાર્ડ અને પીન નંબર બેંકમાં લેવા ગઇ હતી. બાદમાં, યુવતીના એટીએમ/ડેબીટ કાર્ડ મારફતે રૂ.૨૪,૯૯૯ ખાતામાંથી ઉપડી ગયા હતા. યુવતીના મોબાઇલ પર મેસેજ આવ્યો હતો કે, તેના ખાતામાંથી રૂ.૨૪,૯૯૯ એમપૈસા અને આઇડિયા મનીમાં ટ્રાન્સફર થયા છે. જેથી આ છેતરપીંડી અંગે યુવતીના પિતાએ વટવા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(9:34 pm IST)