Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

બિનઅનામત વર્ગ માટે આર્થિક અનામતના અમલની માંગણી

ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી શિક્ષકોની કોઇ ભરતી થઇ નથી : ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં કબૂલાત કરી : અમિત ચાવડાએ ગૃહમાં મહત્વની માંગણી ઉઠાવી

અમદાવાદ,તા. ૧૯ : ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસ દ્વારા બિનઅનામત વર્ગ માટે આર્થિક અનામતની મહત્વની માંગણી ઉઠાવવામાં આવી હતી. વિપક્ષ કોંગ્રેસના દંડક અને ધારાસભ્ય અમિત ચાવડાએ આજે ગૃહમાં મહત્વની માંગણી ઉઠાવતાં જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા બિન અનામત વર્ગ માટે આર્થિક અનામતની નીતિ અમલી બનાવવી જોઇએ. સરકારી નોકરીઓ અને શિક્ષણ-અભ્યાસમાં ૨૦ ટકા અનામતની તેમણે માંગ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકારે બિનઅનામત વર્ગ માટે આર્થિક અનામત માટે જો સર્વે કરવાની જરૃર હોય તો સર્વે કરાવવો જોઇએ અને આ માટે પૂરતું અને યોગ્ય બજેટ પણ ફાળવવું જોઇએ. સરકાર જો આ નીતિ અમલી બનાવતી હોય તો વિપક્ષના સભ્યો તેને હકારાત્મક અભિગમ સાથે ટેકો જારી કરશે. પરંતુ સરકારે બિનઅનામત વર્ગના હિતમાં આ નિર્ણય અમલી બનાવવો જોઇએ. આ અગાઉ કોંગ્રેસના ધારાસભ્યકુંવરજી બાવળિયાએ પ્રશ્નોત્તરી દરમ્યાન ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં સરકાર તરફથી સ્વીકાર કરાયો હતો કે, છેલ્લા બે વર્ષથી રાજયમાં શિક્ષકોની ભરતી થઇ નથી. બે વર્ષથી રાજયમાં શિક્ષકોની ભરતી માટેની ટેટની પરીક્ષા લેવામાં આવી જ નથી. કોંગ્રેસે સરકારની ઉદાસીન અને શિક્ષણ વિરોધી નીતિના કારણે રાજયમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.

(8:33 pm IST)