Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સીએમએસ કંપનીના કર્મી પિયુષ પરમારની ધરપકડ

રૂપિયા ૯૮ લાખની દિલધડક લૂંટનો મામલો : સીકયોરીટી કર્મચારી કુંવરજી રાજપૂતની પણ મોડીરાત્રે ધરપકડ : મુખ્ય સૂત્રધાર આરોપી મુકેશ યાદવ હજુ ફરાર

અમદાવાદ,તા. ૧૯ : શહેરના એસજી હાઇવે પર રાજપથ કલબ પાસે ગયા મહિને સીએમએસ કંપનીની કેશવાનના ડ્રાઇવર દ્વારા કરાયેલી રૂ.૯૮ લાખની સનસનીખેજ ચોરીના ચકચારભર્યા પ્રકરણમાં વસ્ત્રાપુર પોલીસે આજે સીએમએસ કંપનીના મેનેજર કર્મચારી પિયુષ પરમારની પણ ધરપકડ કરી લીધી છે અને સમગ્ર પ્રકરણમાં તેની પણ સંડોવણી બહાર આવી હોઇ પોલીસે તેની પણ આકરી પૂછપરછ શરૂ કરી છે. આ સિવાય પોલીસે આ સમગ્ર લૂંટમાં સંડોવાયેલા સીએમસી કંપનીના સીકયોરીટી કર્મચારી કુંવરજી રાજપૂતને પણ ઝડપ્યો છે કે જેણે લૂંટના ષડયંત્રમાં સક્રિય મદદગારી કરી હતી. ગઇકાલે ક્રાઇમબ્રાંચે કેશવાનના આરોપી ડ્રાઇવર સુધીર બઘેલની ધરપકડ કરી તેની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાનો પર્દાફાશ કર્યો હતો. જો કે, આ સમગ્ર લૂંટ પ્રકરણમાં ડ્રાઇવરનો સાથી અને મુખ્ય સૂત્રધાર આરોપી મુકેશ યાદવ હજુ ફરાર છે. પોલીસ તપાસમાં એ ખુલાસો પણ થયો છે કે, આરોપીઓએ બહુ પ્લાનીંગ સાથે દિવાળી પહેલા લૂંટનું આ ખતરનાક ષડયંત્ર રચ્યુ હતુ અને ભારે સિફતતાપૂર્વક તેને પાર પણ પાડયું હતું. કેશવાનના આરોપી ડ્રાઇવર સુધીર બઘેલની પૂછપરછ દરમ્યાન સમગ્ર લૂંટના મામલામાં સીએમસ કંપનીના પિયુષ પરમારની પણ સંડોવણી ખુલવા પામી હતી, જેને પગલે પોલીસે આજે તેની પણ વિધિવત્ ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. સીએમએસ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં પિયુષ પરમારને સમગ્ર કાવતરામાં ૨૦ ટકા કમીશન આપવાની વાત નક્કી થઇ હોવાની માહિતી પોલીસ તપાસમાં ખુલી છે. વળી, મુકેશ યાદવે જે ખોટા ડોકયુમેન્ટસના આધારે કેશવાનના ડ્રાઇવર તરીકે સુધીર બઘેલને નોકરીએ રખાવ્યો હતો, તે દસ્તાવેજો તેમને પાછા આપી દેવાનું નક્કી થયુ હતુ, કે જેથી લૂંટ બાદ કોઇ પુરાવા ના રહે. જો કે, સમગ્ર કાવતરાનો પર્દાફાશ થતાં પિયુષ પરમાર પણ પકડાયો છે. તેની પૂછપરછના આધારે પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા સીકયોરીટી કર્મચારી કુુંવરજી રાજપૂતને પણ ઝડપી લીધો હતો. આટલી મોટી લંૂટ માટે મુખ્ય સૂત્રધાર મુકેશ યાદવે લૂંટ પહેલાં કેટલાય દિવસો સુધી સુધીર બઘેલ જે કેશવાનનો ડ્રાઇવર હતો તેની રેકી કરી તેની પાછળ બાઇક લઇને ફર્યો હતો અને સમગ્ર માહોલ જાણ્યો હતો. બંને આરોપીઓ લૂંટ બાદ સરખેજમાં એક મકાનમાં ભાડે રહ્યા બાદ ત્યાંથી બાઇક પર રાજસ્થાનના જયપુર ખાતે ભાગી ગયા હતા. જો કે, ક્રાઇમબ્રાંચે લૂંટના રૂ.૯૮ લાખ પૈકી હજુ માત્ર રૂ.૧૩ હજાર રિકવર કરી શકી છે. કેશવાનની લૂંટની ઘટનાના ૨૩ દિવસ બાદ આખરે શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી આરોપી ડ્રાઇવર સુધીર બઘેલને  ઉત્તરપ્રદેશના સુખૈયા વિસ્તારમાંથી આબાદ ઝડપી લીધો હતો. આરોપી ડ્રાઇવર સુધીર બઘેલની પૂછપરછમાં બહાર આવેલી ચોંકાવનારી હકીકતો સામે આવી હતી કે, આરોપી સુધીર બઘેલ અગાઉ અબોહર પંજાબ ખાતે સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવવાની નોકરી કરતો હતો. પાંચેક માસ અગાઉ ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને પોતાના વતન ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લાના કુકપુર નગરીયા ગામની બાજુના ગામના મુકેશકુમાર યાદવે તેને અમદાવાદ બોલાવી સીએમસ કંપનીમાં કેશવાનના ડ્રાઇવર તરીકે નોકરી અપાવી હતી. ગત તા.૨૩-૨-૨૦૧૮ના રોજ સીએમએસ કંપનીની કેશવાનનો ડ્રાઇવર સુધીર બઘેલ તેના ગનમેન અને અન્ય બે કર્મચારીને બપોરે ૨-૩૦ વાગ્યે વાડજ ખાતેની ઓફિસથી કેશવાનમાં નાણાં ભરી એટીએમમાં પૈસા ભરવા નીકળ્યો હતો. એ વખતે રસ્તામાં ગનમેન અને અન્ય કર્મચારીઓને ઘેનની ગોળીઓ નાંખેલી ચા પીવડાવી દેવાતાં એસજી હાઇવે પર રાજપથ કલબની બહાર આવેલા એચડીએફસી બેંકના એટીએમ સેન્ટરમાં તેઓ બેભાન થઇ ગયા હતા અન એટલામાં તે તકનો ફાયદો ઉઠાવી મુકેશકુમાર યાદવ અને સુધીર બઘેલ કેશવાનમાંથી રૂ.૯૮ લાખ ભરેલી લોખંડની ટ્રંક લઇ મુકેશકુમારના મોટરસાયકલ પર ફરાર થઇ ગયા હતા.

(7:27 pm IST)