Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

અમદાવાદમાં રૂ.૧પ લાખના હીરાની ચોરીઃ જ્વેલર અને કર્મચારી વિરૂદ્ધ છેતરપિંડીની ફરીયાદ

અમદાવાદઃ અમદાવાદની જ્વેલર્સની દુકાનમાંથી રૂ. ૧પ લાખના હીરા લઇને અેક અન્ય જ્વેલર અને તેનો કર્મચારી ફરાર થઇ જતા તેમની સામે છેતરપિંડીની ફરીયાદ કરવામાં આવી છે.

મુંબઇમાં રહેતા અને ઇકો બ્રિલિયન્સ નામની ડાયમંડ કંપનીમાં ફરજ બજાવતા કમલભાઇ અનંતરાય વેલાણીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં એક કહેવાતા જ્વેલર અને તેના કર્મચારી વિરુદ્ધમાં વિશ્વાસધાત અને છેતરપિંડીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે નિકોલ વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં આવેલા ઓમ સુંદરમ્ જવેલર્સના માલિક વિપુલ જૈને કમલભાઇનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને સારી ક્વોલિટીના ડાયમંડ જોઇએ છે તેમ કહીને ભાવનું કવોટેશન મગાવ્યું હતું. દરમિયાનમાં ઇકો બ્રિલિયન્સમાં કામ કરતા અન્ય કર્મચારી અનિલભાઇ સાથે પણ વિપુલે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને સારી ક્વોલિટીના હીરા ખરીદવાનું કહીને ક્વોટેશન મગાવ્યુ હતું.

અનિલભાઇએ આપેલા હીરાનો ભાવ ઓછો હોવાથી તેમને ખરીદવા માટેની વાત કરી હતી અને અનિલભાઇના વોટ્સઅપ પર વિઝિટિંગ કાર્ડ મોકલી આપ્યું હતું. અનિલભાઇએ એક કેરેટના આઠ હજાર રૂપિયા લેખે ભાવ વિપુલને આપ્યો હતો. વિપુલે પહેલાં સેમ્પલ જોવા માટે મગાવ્યુ હતું જેમાં અનિલભાઇ અને કમલભાઇએ ઇકો બ્રિલિયન્સના માલિક પ્રેમલભાઇ સુધીરભાઇ શાહની મંજૂરી લઇને પાંચ કેરેટનું સેમ્પલ અમદાવાદ મોકલી આપ્યું હતું.

વિપુલે રૂ.૧પ લાખના ૩ર૭ કેરેટના હીરાનો ઓર્ડર ટેલિફોન પર અનિલભાઇને આપ્યો હતો. કમલભાઇ અને અનિલભાઇ રૂ.૧પ લાખના હીરા લઇને ફ્લાઈટમાં અાવ્યા હતા અને ઓમ સુંદરમ જવેલર્સમાં પહોંચ્યા હતા. જ્યાં વિપુલ અને અન્ય એક વ્યક્તિ હાજર હતી. વિપુલે કમલભાઇ પાસે હીરા જોવા માટે માગ્યા હતા જ્યાં કમલભાઇ વિશ્વાસમાં આવી જઇને વિપુલને હીરા બતાવવા માટે આપ્યા હતા. વિપુલ હીરા જોયા બાદ તેનો કારીગર પણ હીરા જોવા લાગ્યો હતો.

કમલભાઇ અને અનિલભાઇ સાથે વિપુલ વાતો કરી રહ્યો હતો ત્યારે તેનો કારીગર દુકાનમાં આવેલા એક પાર્ટીશન વાળા દરવાજામાં ડાયમંડ લઇને જતો રહ્યો હતો. ત્યારબાદ વિપુલ પણ જતાં રહેતા બંને જણાને શંકા ગઇ હતી અને અનિલભાઇ અને કમલભાઇ પાર્ટીશન વાળા દરવાજે ચેક કરવા ગયા હતા. જ્યાં બહાર જવાનો એક દરવાજો હતો. નજર ચૂકવીને વિપુલ અને તેનો સાગરિત દુકાનમાં આવેલા બીજા દરવાજેથી નીકળી ગયા હતા.

કમલભાઇએ વિપુલ અને કારીગરની રાહ જોઇ પરંતુ તેઓ નહીં આવતાં તેમની સાથે વિશ્વાસધાત અને છેતરપિંડી થઇ હોવાનું જાણ થઇ હતી. કમલભાઇએ તેમને આસપાસના વિસ્તારોમાં શોધવાની કોશિશ કરી પરંતુ તે નહીં મળતાં અંતે તેમણે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા લઇને નિકોલ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કમલભાઇની ફરિયાદ લઇને વિપુલ અને તેના કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. વિપુલે બે દિવસ પહેલાં આ દુકાન ખોલી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.

આ મામલે ઝોન-પના ડીસીપી હિમકરસિંગે જણાવ્યું હતું કે કમલભાઇની રૂ.૧પ લાખની ફરિયાદ લઇને અમે વિપુલને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. કમલભાઇ હીરા લઇને નિકોલ વિપુલની દુકાને આવ્યા હતા. જ્યાં કમલભાઇની નજર ચૂકવીને પાછલા દરવાજેથી વિપુલ હીરા લઇને નાસી ગયો છે. થોડાક સમય પહેલાં વિપુલે અહીં જવેલર્સની દુકાન ખોલી હતી પ્રાથમિક તપાસમાં તે અમદાવાદનો વતની નહીં હોવાનું પણ સામે આવ્યું છે.

ડીસીપીઅે વધુમાં જણાવ્યું છે કે વિપુલે ભાડાની દુકાન ખોલીને ડાયમંડ કંપની ને ચીટીંગ કરવા માટે અાયોજનબદ્ધ રીતે કાવતરું ઘડ્યું હતું. જેમાં તેને જેવલર્સનું બોર્ડ લગાવ્યું હતું અને કાર્ડ છપાવ્યા હતા.

(7:14 pm IST)