Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સરકારના પ્રભાવનો અભાવઃ ભાજપના ધારાસભ્‍યોમાં નારાજગીના ડોકિયા

ગુજરાતના રાજકારણમાં ધીમી ગતિએ ગરમાવોઃ અસંતોષ ખાળવા સત્ર પછી મંત્રી મંડળ વિસ્‍તરણ નક્કી : મુખ્‍યમંત્રી અને મંત્રીઓની સૂચનાને સરકારી બાબુઓ ગાંઠતા નથીઃ છાને ખૂણે થતી ગ્રુપ બેઠકોઃ દિલ્‍હી સુધી વાત પહોચવા લાગી

ગાંધીનગર તા. ૧૯ : તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં યોજાયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બેઠકો ગુમાવી જેના પડઘા ગઇકાલે દિલ્‍હીમાં પડયા હતાં. ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે હિન્‍દુત્‍વનો મુદ્‌્‌ો ઉછાળતા પ્રચાર અભિયાનનાં આરંભ કર્યો હતો. પરંતુ આમા સફળતા ન મળતા ભાજપના જ નેતાઓ ભાજપ મોવડી મંડળ સામે પડયા છે. યુપીની પેટા ચૂંટણી પછી ગુજરાતમાં પણ રાજકીય ગરમાવો આવી રહ્યો છે.

વિશ્વ હિન્‍દુ પરિષદના નેતા ડો. પ્રવિણ તોગડીયાએ ર૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાને પ્રજાને આપેલ વચનોનું પાલન થયુ નથી અને સરકાર હિંદુત્‍વ અને વિકાસ બન્ને મુદાઓ પર નિષ્‍ફળતા મળી છે જેવા આકરા પ્રહારો કર્યા હતાં.

તાજેતરમાં યુ. પી. માં જાહેર થયેલ ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને પછડાટ મળવાની સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. આગામી એપ્રિલ માસમાં મંત્રી મંડળમાં વિસ્‍તરણ થવાની પુરેપુરી શકયતાઓ જોવા મળી રહી છે.

ગુજરાત ભાજપના ધારાસભ્‍યોમાં નારાજગીનું પ્રમાણ ધીમેધીમે આગળ ધપી રહેલું જોવા મળે છે. કેટાલક સિનિયર ધારાસભ્‍યોની ગ્રુપ બેઠકો મળી રહી છે. જેમાં સિનિયર સભ્‍યોની અગવણના સામે રોષની લાગણી ઉભી થઇ રહી છે. સિનિયર સભ્‍યોને મંત્રીમંડળમાં  સ્‍થાન ન મળતા આ વાતાવરણ ગરમાવો  પકડી રહ્યું છે.

બીજી તરફ વર્તમાન સરકારમાં મુખ્‍યમંત્રી તેમજ મંત્રીમંડળના સભ્‍યો દ્વારા વિભાગમાં આપવામાં આવતી સૂચનાઓનું ઘણીવાર પાલન થતું ન હોવાની વાત આ નારાજ ધારાસભ્‍યોના ગ્રૃપમાં ચાલી રહી છે. હવે આવનારા દિવસોમાં આ નારાજગી કઇ દિશા પકડે છે તે તો આવનારો સમય જ બતાવશે. આ વાતની પક્ષના મોવડી મંડળને જાણ પડી ગઇ છે. આમાં પક્ષના જ કેટલાક સભ્‍યો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીથી નારાજ થયા છે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

(3:32 pm IST)