Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ગૃહખાતામાં પલટાયેલી પરિસ્‍થિતિ, કૈલાશનાથનની દિલ્‍હીમાં અમિતભાઈ સાથેની ચર્ચાઓ યોગાનુયોગ કે પછી...?

ચૂંટણી સમયે છેલ્લે છેલ્લે મોટા ફેરફારો કરી ખોટા સંદેશા જતા રોકવા સાથે કોંગીને મળતુ કાગારોળનું હથિયાર છીનવવા તૂર્તમાં બદલીઓ

જી.એસ. મલ્લિક અને જે.કે. ભટ્ટ વિ.ને એડીશ્‍નલ ડી.જી. બનાવવા નિર્ણયઃ ૮ એએસપીને એસપી તરીકે બઢતી આપવા સળવળાટઃ એડીશ્‍નલ એસપીઓ એસપી પદે જિલ્લામાં જવા દબાણ લાવી રહ્યા છે તેમનો પ્રશ્ન ઉકેલવા સાથે ચોક્કસ પોલીસ કમિશ્નરો અને રેન્‍જ વડાઓ સહિતના આઈપીએસને બદલવા માટે દિલ્‍હીના માર્ગદર્શન હેઠળ કવાયત શરૂ

રાજકોટ, તા. ૧૯ :. ગુજરાતમાં આઈએએસ કેડરના સનદી અધિકારીઓ માફક આઈપીએસ કક્ષાએ પણ સિનીયર-જુનીયર અફસરોની બદલીઓ-બઢતીઓ અને તેઓના પોસ્‍ટીંગ માટેની ૨૦૧૯ની ચૂંટણીને કેન્‍દ્રમાં રાખી ચૂંટણી પંચની નીતિ સાથે સુસંગત રહી ફેરફાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. યોગાનુયોગ તાજેતરમાં જ દિલ્‍હી દરબારના વિશ્વાસુ એવા મુખ્‍યમંત્રીના પ્રિન્‍સીપલ સેક્રેટરી કે.કે. (કૈલાશનાથન) દિલ્‍હી જઈ અમિતભાઈ સાથે આ બાબતે ચર્ચાઓ કરી કેટલીક ચોક્કસ રણનીતિઓ ઘડી હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.

આઈપીએસ વર્તુળોમાં ઉચ્‍ચ કક્ષાએ ચાલતી ચર્ચા મુજબ અત્‍યાર સુધી આઈપીએસ બદલી અને પોસ્‍ટીંગમાં જેઓનું વર્ચસ્‍વ રહેતુ તેવા ગૃહ મંત્રાલયના એક અધિકારીને બઢતીમાંથી બાકાત રખાતા સમગ્ર ચિત્ર બદલી રહ્યાના ચિન્‍હો આઈપીએસ અધિકારીઓ માફક આઈએએસ અધિકારીઓ નિહાળી રહ્યા છે. જેને પરિણામે સમગ્ર ચર્ચા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિતભાઈ શાહ કે જેઓ આઈપીએસ બદલીઓમાં નિર્ણય લેતા હોય છે તેઓની સાથે કૈલાશનાથનની ચર્ચાઓ થતા આ પરિપેક્ષમાં નિહાળવામાં આવી રહ્યુ છે.

સંભવિત મોડામા મોડુ એપ્રિલના બીજા સપ્તાહમાં કે જ્‍યાં સુધીમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ જાય ત્‍યાં સુધીમાં આ સમયગાળો એડમીશન વગેરે યોગ્‍ય હોય તે ગાળામાં બઢતી-બદલીઓની સંભાવના વિશેષ રહેતી હોય છે. ચૂંટણી પંચના નવા નિયમ તથા હાલમાં જેઓને બે વર્ષ પૂર્ણ થયા છે તેવા અધિકારીઓને આગામી ચૂંટણી ધ્‍યાને લઈ નવા ફેરફારોમાં મોટે ભાગે બદલી નાખવામાં આવશે. ચોક્કસ પોલીસ કમિશ્નરો અને ચોક્કસ રેન્‍જના વડાઓ પણ આ વ્‍યાખ્‍યામાં આવતા હોય તેઓને બદલવાનું નિતિ માનવામાં આવી રહ્યુ છે. આ બાબત સારી રીતે સમજતા કેટલાક અનુભવી અધિકારીઓએ પોતાનો સામાન અન્‍યત્ર તૂર્ત ફેરવી શકાય તે માટે તથા એડમીશનની પ્રક્રિયા માટે પણ સક્રીય થયા છે.

અત્‍યારથી જ બદલીઓ કરવામાં આવે તો નવા આવનાર પોલીસ અધિકારીઓને જે તે શહેર કે જિલ્લા અને રેન્‍જનું નિરીક્ષણ કરવાનો, લોકોને જાણવાનો, સ્‍ટાફને સમજવાનો અને જે તે વિભાગના શહેર-જિલ્લાના ઈતિહાસ-ભૂગોળ પણ જાણવાનો પુરતો સમય મળી રહે તેવો હેતુ છે. વિશેષમાં ચૂંટણી સમયે કરાતી બદલીઓ સમયે ચૂંટણીલક્ષી બદલીઓ હોવાની ચર્ચાઓ ઉભરાતી હોય છે. આની સાથોસાથ ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસ કે જેઓની પાસે અનુભવી, નિવૃત આઈપીએસ છે તેઓ આ બધી બાબતો શોધી કાઢી લોકો સમક્ષ તથા અખબારો સમક્ષ મુકવા સક્રિયતા દાખવતા હોય છે. કોંગ્રેસ પાસે જતુ કાગારોળનું હથીયાર છીનવી લેવા પણ વિચારણા ચાલે છે.

(2:36 pm IST)