Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ગાંધીનગર:અડાલજ ત્રિમંદીર નજીક ઓનલાઇન બુક વેચવા મુકવી વિદ્યાર્થીને ભારે પડી: ગઠિયાએ ઓનલાઇન પેમેન્ટ કરાવી 46 હજારની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર:જિલ્લામાં છેલ્લા થોડા સમયથી સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે ત્યારે અડાલજ ત્રિમંદિર સંકુલમાં રહેતા અને અદાણી ઈન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ બુક ઓનલાઈન વેચવા મુકતાં ગઠીયાએ ફોન કરીને વોટસએપમાં ક્યુઆર કોડ મોકલી અલગ અલગ તબક્કે ૪૬ હજાર રૃપિયા ટ્રાન્સફર કરી લઈ છેતરપીંડી આચરતાં અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી ગઠીયાઓની શોધખોળ શરૃ કરી છે.

ઓનલાઈન માધ્યમો થકી વેપાર ધંધા વિકસ્યા છે અને ઘરે બેઠા તમામ સુવિધાઓ પણ મળી રહી છે ત્યારે તેની આડ અસર પણ જોવા મળી રહી છે જેમાં છેતરપીંડીની ઘટનાઓમાં વધારો થયો છે. ગાંધીનગર શહેર નજીક આવેલા અડાલજ ત્રિમંદિર ખાતે સાનિધ્ય એપાર્ટમેન્ટ સે-૩/એમાં રહેતો યુવાન પરમ ભરતભાઈ પટેલ અદાણી ઈન્સ્ટી.એન્જીનીયરીંગમાં અભ્યાસ કરે છે. ગત મંગળવારે પરમે તેની એક બુક ઓનલાઈન માધ્યમથી વેચવા મુકી હતી. ત્યારબાદ બપોરના સમયે તેના મોબાઈલ ઉપર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે કહયું હતુ કે મારૃ નામ રીંકુ છે અને તમે ઓનલાઈન સાઈટ ઉપર વેચવા મુકેલી બુક લેવી છે. મારો પુત્ર અડાલજ ખાતે રહે છે જે આવીને લઈ જશે. ત્યારબાદ આ વ્યક્તિએ યુવાનનો વોટસએપ નંબર લઈ તેમાં ક્યુઆર કોડ મોકલ્યો હતો. આ વિદ્યાર્થીએ ક્યુઆર કોડ પેટીએમમાં સ્કેન કરતાં તેના ખાતામાંથી પાંચ રૃપિયા કપાયા હતા અને ત્યારબાદ દસ રૃપિયા જમા થઈ ગયા હતા. જેથી તેણે તમારા દીકરાને રૃપિયા લઈને મોકલો અને પુસ્તક લઈ જાવ તેમ કહયું હતું. જો કે આ શખ્સે હું આર્મીમાં છુ અને આસામમાં નોકરી કરૃ છું. મારા પુત્ર પાસે રૃપિયા નથી તેમ કહી બીજો ક્યુઆર કોડ મોકલ્યો હતો. જેમાંથી બે હજાર રૃપિયા કપાયા હતા અને ત્યારબાદ તેમના પિતાના એકાઉન્ટમાંથી પણ અલગ અલગ તબક્કે ચારપાંચદસઅને રપ હજાર મળી કુલ ૪૬ હજારની રકમ ગઠીયાએ ટ્રાન્સફર કરી લીધી હતી. જેથી આ યુવાનને છેતરાયાનો અહેસાસ થતાં અડાલજ પોલીસ મથકમાં ફરીયાદ આપતાં પોલીસે અજાણ્યા ગઠીયા સામે ગુનો નોંધીને તેને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.

(6:07 pm IST)