Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં સાંજે પ્રચાર થંભી જશેઃ ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા મતદારોને રીઝવવાના છેલ્લી ઘડીના પ્રયાસો

અમદાવાદ: આજ સાંજથી 6 મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે છેલ્લી ઘડીનો પ્રચાર કરવામાં તમામ રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. એટલે ભાજપ અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓ અને ઉમેદવારો મતદારોને રિઝવવા માટે પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. જેમાં અમદાવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો મેગા રોડ શો યોજવામાં આવી રહ્યો છે. જેમાં 7 વિધાનસભા મતવિસ્તાર અને વિવિધ વોર્ડમાં મહારેલીઓ યોજવામાં આવી રહી છે. જ્યારે રાજકોટ મહાનગર પાલિકાના 18 વોર્ડમાં વિશાળ બાઈક રેલી યોજી ભાજપ પ્રચંડ પ્રચાર કરશે. તો વડોદરામાં ભાજપ અને કોંગ્રેસે વોર્ડ વાઈઝ ઝંઝાવાતી પ્રચારનું આયોજન કર્યું છે. દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવા પ્રચાર કરશે. તમામ મહાનગર પાલિકામાં મતદારોને રિઝવવા છેલ્લી ઘડીનું પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે આજ સાંજથી પ્રચાર પડઘમ શાંથ થઈ જશે.ત્યારે બાદ માત્ર ડોર ટૂ ડોર અને ખાટલા બેઠક યોજી પ્રચાર કરી શકશે. 21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે.

પ્રચારના અંતિમ દિવસે અમદાવાદમાં ભાજપનો મેગા રોડ શો યોજાઈ રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો અમદાવાદમાં મેગા રોડ શો આગળ વધી રહ્યો છે. જેમાં 7 વિધાનસભા વિસ્તાર અને 17થી વધુ વોર્ડમાં પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 22 કિલોમીટરના લાંબા ભવ્ય રોડ શોથી પ્રચારના અંતિમ દિવસે ભાજપ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિત કેબિનેટ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, શહેર પ્રભારી, શહેર પ્રમુખ સહિત ભાજપના આગેવાન અને મોટી સંખ્યામાં કાર્યકરો જોવા મળી રહ્યા છે. જેમાં બે સ્થળો પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સભાને પણ સંબોધશે. પરંતુ હાલ જેમ જેમ રોડ શો આગળ વધી રહ્યો છે તેમ તેમ મતદારો પ્રચંડ સમર્થન આપી રહ્યા છે.

સુરત, રાજકોટ અને વડોદરામાં બાઈક રેલી

ભાજપ દ્વારા સુરત, રાજકોટ અને વડોદરામાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં વોર્ડ નંબર-4માં ભાજપના ઉમેદવારોએ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તો યુવતીઓ પણ બુલેટ બાઈક સાથે રેલીમાં જોડાઈ છે. તો રાજકોટ મનપાના તમામ 18 વોર્ડમાં ભાજપની બાઈક રેલી નીકળી છે. વડોદરામાં 19 અને 10 વોર્ડમાં બાઈક રેલી નીકળી છે. આ બાઈક રેલીમાં ઊર્જામંત્રી સૌરભ પટેલ અને દિલીપ સંઘાણી જોડાયા છે. તમામ શહેરોની બાઈક રેલી માટે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા છે.

અમદવાદમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ચૂંટણી પ્રચાર માટેનો આજે અંતિમ દિવસ છે. ત્યારે તમામ ઉમેદવારો લાગ્યા આખરી સમયના આક્રમક પ્રચારમાં લાગી ગયા છે. અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું છે. પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ મોટું શક્તિ પ્રદર્શન કર્યું છે. સેંકડોની સંખ્યામાં કાર અને બાઈક સાથે કોંગ્રેસ ટેકેદારો રેલીમાં જોડાયા છે. રેલીમાં નીકળેલા દિનેશ શર્માએ કહ્યું કે, ગત ટર્મના ભાજપના કોર્પોરેટરથી પ્રજા કંટાળી છે. પ્રજાકીય કામો કરવામાં ભાજપ નિષ્ફળ રહ્યું છે.

ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલનો પ્રચાર

મહાનગર પાલિકાની ચૂંટણી માટે દરેક રાજકીય પક્ષ છેલ્લી ઘડીનો પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. ત્યારે ભાવનગરમાં કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સભા ગજવી છે. ભાવનગરના વોર્ડ નંબર 4ના કાળીયાબીડ વિસ્તારના વિરાણી સર્કલ પાસે સભા યોજી હતી. ભાવનગરમાં વિશાળ બાઈક રેલી યોજી શક્તિસિંહ ગોહિલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રચારમાં શક્તસિંહ ગોહિલે સરકાર પર મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ સહિતના મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ સરકારના અહંકારને દુર કરી આ વખતની ચૂંટણીઓમાં કોંગ્રેસના ભવ્ય વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.

જામનગરમાં સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું

જામનગર મહાનગર પાલિકા માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું. જેમાં ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનાર કર્મચારીઓએ મોટી સંખ્યામાં મતદાન કર્યું. પોસ્ટિલ વોટિંગ માટે એમ. પી. શાહ કોમર્સ કોલેજમાં 4 બૂથ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં મતદાન કરવા માટે વહેલી સવારથી કર્મચારીઓ ઉમટ્યા હતા. ભારે ઉત્સાહ દેખાડી કર્મચારીઓએ મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવ્યો. મહત્વનું છે આગામી 21 ફેબ્રુઆરીએ મહાનગર પાલિકા માટે મતદાન પ્રક્રિયા યોજાવાની છે. જેમાં જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડની 64 બેઠક માટે 236 ઉમેદવાર મેદાને છે. જેમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

વડોદરામાં  'નોટા' વિકલ્પનો પ્રચાર

વડોદરામાં ચૂંટણી માહોલ વચ્ચે સામાજિક કાર્યકરે અનોખી રીતે વિરોધ કર્યો. ચૂંટણીતંત્ર 'નોટા' વિકલ્પનો પણ પ્રચાર કરે તે આશયથી PPE કીટ પહેરીને 'નોટા'નો પ્રચાર કર્યો. નોટાને કોરોના થયો હોય તેમ PPE કીટ પહેરીને સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વિરોધ દર્શાવ્યો. અતુલ ગામેચીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. તંત્ર 'નોટા'નો પ્રચાર કરતી નથી તેવા સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યા.

(4:54 pm IST)