Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

૬ મહાનગરોમાં ભાજપ - કોંગી પછી સૌથી વધુ ૪૬૯ ઉમેદવારો 'આપ'ના

ગુજરાતમાં ત્રીજા મોરચાએ 'પગ' મૂકયો, 'જગ્યા' થશે તો ભવિષ્યમાં ચાલવા લાગશે : રાજ્યમાં કુલ ૫૭૬ પૈકી ૧ બેઠક બિનહરીફ થઇ : બાકીની તમામ ૫૭૫ ઉપર ભાજપના ઉમેદવારો : કોંગીના ઉમેદવારો ૫૬૪ બેઠકોમાં : બસપા ૧૬૭, એન.સી.પી. ૮૯માં

રાજકોટ તા. ૧૯ : ગુજરાતમાં ૬ મહાનગરોની ચૂંટણી માટેના જાહેર પ્રચારનો આજે સાંજથી અંત આવી રહ્યો છે. રવિવારે મતદાન છે. મતદાન આડે હવે એક દિવસ બાકી રહ્યો છે. રાજ્યમાં સામાન્ય રીતે ભાજપ - કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહે છે. તે યથાવત રહેવા ઉપરાંત આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ મક્કમતાથી પગ મૂકયો છે. ઉભા રહેવાની જગ્યા થાય તો ભવિષ્યમાં 'આપ' ગુજરાતમાં ચાલવા અને દોડવા થનગને છે. ઉમેદવારી પાછી ખેંચાયા પછી સ્પષ્ટ થયેલ ચિત્ર મુજબ કુલ ૫૭૫ બેઠકો પૈકી આપના ઉમેદવારો ૪૬૯ બેઠકો પર છે. તે ટકાવારીની દ્રષ્ટિએ ૮૧ ટકાથી વધુ થાય છે.  અમદાવાદની એક બેઠક ભાજપને બિનહરીફ મળેલ છે. બાકીની ૬ કોર્પોરેશનોની ૫૭૫ (તમામ બેઠકો) પર ભાજપના ઉમેદવારો છે. કોંગ્રેસના ઉમેદવારો ૫૬૪ બેઠકો પર રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો ૪૬૯ બેઠકોમાં લડી રહ્યા છે. બસપાના ૧૬૭ ઉમેદવારો અને એનસીપીના ૮૯ ઉમેદવારો છે. અન્ય પક્ષના ૧૫૫ અને ૨૨૭ અપક્ષો લડી રહ્યા છે. 'આપ'નો પ્રથમ પ્રયોગ ખૂબ આશાસ્પદ છે. તમામ ૬ મહાનગરોમાં એક માત્ર રાજકોટ એવું મહાનગર છે કે જ્યાં તમામ ૭૨ બેઠકો પર 'આપ' મેદાનમાં છે. સત્તાવાર ઉમેદવારનું એકેય ફોર્મ રદ્દ થયું નથી કે પાછું ખેંચાયું નથી. રાજકોટમાં કોંગ્રેસ (૭૦) કરતા 'આપ'ના ઉમેદવારો વધુ છે. 'આપ'નું ઝાડું કોની કેવી સફાઇ કરે છે ? તે તો પરિણામ વખતે જ ખબર પડશે.

કયાં કોના કેટલા ઉમેદવારો ?

મહાનગર

કુલ બેઠકો

ભાજપ

કોંગી

આપ

અમદાવાદ

૧૯૨

૧૯૧

૧૮૮

૧૫૬

સુરત

૧૨૦

૧૨૦

૧૧૭

૧૧૩

વડોદરા

૦૭૬

૦૭૬

૦૭૬

૦૪૧

જામનગર

૦૬૪

૦૬૪

૦૬૨

૦૪૮

રાજકોટ

૦૭૨

૦૭૨

૦૭૦

૦૭૨

ભાવનગર

૦૫૨

૦૫૨

૦૫૧

૦૩૯

કુલ

૫૭૬

૫૭૫

૫૬૪

૪૬૯

અમદાવાદની એક બેઠક ભાજપને બિનહરીફ મળી છે.

(12:46 pm IST)