Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

અંધેર વહીવટ : રાજપીપળા નગરપાલિકા પુસ્તકાલયમા દૈનિક અખબારો એક વર્ષથી બંધ થતાં વાંચકોમાં નારાજગી

અમુક મોટા અખબારો બંધ થતાં પુસ્તકાલયમાં આવતા વાંચકો,સિનિયર સિટીજનોમાં નારાજગી :પુસ્તકાલયના વાર્ષિક નિભાવની ગ્રાન્ટ સરકાર તરફથી ફાળવવામાં આવતી હોવા છતાં, પાલિકાના વહીવટદારોએ ખર્ચના બિલો રજુ નહી કરતાં 2 વર્ષથી ગ્રાન્ટ ન મળતા વાંચકો તકલીફમાં મુકાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા દરબાર રોડ ઉપર આવેલી નગરપાલિકા પુસ્તકાલય નગરપાલિકાના લુલા વહીવટનો ભોગ બની છે.લોકો રોજીંદા સમાચારો વાંચી શકે અને વિધાર્થીઓ અને વાંચનનો શોખ ધરાવતા લોકોને વિવિધ પુસ્તકો વિના મુલ્યે વાંચવા મળે એ માટે બનેલી આ  પુસ્તકાલયમા હાલ રોજીંદા મુખ્ય અખબારો છેલ્લાં એક વર્ષ કરતા વધુ સમયથી બંધ છે,જેમાં જાણવા મળ્યા મુજબ આ લાઈબ્રેરીમા રોજીંદા ધોરણે દૈનિક અખબારો પુરા પાડતાં વિતરકોને ગત વર્ષના બિલની ચુકવણી નહીં કરાતા અખબારોના વિતરકોએ પેપર આપવાનુ બંધ કર્યું છે. જેના કારણે હાલ લાઈબ્રેરીમા પેપર વાંચવા આવતા વાંચકો અને ખાસ સિનિયર સિટીજનો નારાજ જોવા મળ્યા છે.વિવિધ પબ્લિકેશનો તરફથી આવતા મેગેઝિન અને સાપ્તાહિકો અને બાળકોને રસ પડે એવા બાળ સાહિત્ય પણ વર્ષો જુના છે અને કબાટમાં ધૂળ ખાઈ રહ્યા છે તો પુસ્તકાલયમાં લાઇટ બીલ,પગાર નો ખર્ચ શુ કામ કરાઈ રહ્યો છે..?
  જાણવા મળ્યા મુજબ રાજપીપળા નગરપાલિકા સંચાલીત સાર્વજનિક પુસ્તકાલયના વાર્ષિક હીસાબના ખર્ચના હિસાબો સરકારમા રજુ કર્યા ન હોય  રુ.55 હજાર જેટલી વાર્ષિક નિભાવની ગ્રાન્ટ સરકાર તરફથી ફાળવવામાં આવે છે તે પણ છેલ્લા બે વર્ષથી આવી રહી નથી. કરોડો રુપિયાની ગ્રાન્ટનો વહીવટ કરવા ટેવાયેલા મુખ્ય અધિકારી માટે જાણે રુ.55 હજારની ગ્રાન્ટ મામુલી હોય શકે પણ વાંચનનો શોખ ધરાવતા લોકો અને સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ માટે એ બહુ અમુલ્ય છે, પણ વાંચન અને પુસ્તકો જેવા નિરસ વિષયોમાં બહુ રસ ન દાખવતા પાલિકાના શાશકોને એની કદાચ સમજણ નહીં હોય એમ લાગી રહ્યું છે.
  રાજપીપળા નગરની દરબાર રોડ ઉપર આવેલી પુસ્તકાલય (લાઈબ્રેરી) ગેરવહીવટ અને ઉપેક્ષાનો ભોગ બની છે, એક સમયે વાંચકોથી ભરપુર રહેતી લાઈબ્રેરીમા હાલ જુજ વિધાર્થીઓ જ આવી રહ્યાં છે.અને એ પણ પોતાના ખર્ચે મોંઘાદાટ ખરીદેલા પરીક્ષાલક્ષી પુસ્તકો લાવી વાંચવા આવે છે.તો કરોડોના દેવા માં ડૂબેલી રાજપીપળા નગરપાલિકા આ પુસ્તકાલય પાછળ લાઈટ બિલ,પગાર સહિતનો ખર્ચ કેમ કરે છે.?જ્યારે સરકારમાંથી મળતી ગ્રાન્ટ બાબતે જ જો અધિકારીને રસ ન હોય તો પુસ્તકાલયને તાળા મારી દેવા જોઈએ તેમ લાગી રહ્યું છે.

(10:31 pm IST)