Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ટ્રમ્પ યાત્રા : ઝુંપડા ના દેખાય તે માટે દિવાલ બનતા વિવાદ

ટ્રમ્પ તેમના માર્કેટિંગ માટે આવે છે : શંકરસિંહ વાધેલા : દિવાલ બનાવીને તેની પાછળ ગરીબોને છુપાવવાનો પ્રયાસ ભાજપ દ્વારા પ્રજાના પૈસાનો દૂરપયોગ કરાયો છે : શંકરસિંહ વાધેલા

અમદાવાદ,તા.૧૯ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તા.૨૪મી ફેબ્રુઆરીની મુલાકાત પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ઇન્દિરાબ્રીજ પાસે સરણીયા વાસ ખાતે લાંબી અને સાત ફુટ ઉંચી દિવાલ બનાવી દેવાતાં હવે વિવાદ વકરી રહ્યો છે. આજે એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાધેલા આજે દિવાલ બનાવાઇ તે વિવાદીત સ્થળે પહોંચ્યા હતા અને ઝુંપડાવાસીઓને મળી તેમની વ્યથા સાંભળી હતી. વાધેલાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કે, તેમણે ચીનની દિવાલ પણ જોઇ છે અને અમદાવાદની આ દિવાલ પણ જોઇ. ટ્રમ્પની મુલાકાત ટાણે ગરીબોની ગરીબાઇ અને તેમના ઝુંપડાઓ અમેરિકી રાષ્ટ્રપ્રમુખને દેખાઇ ના જાય તે હેતુથી આ દિવાલ બનાવાઇ છે પરંતુ દિવાલ બનાવવા સામે વાંધો નથી પરંતુ જો ગરીબો માટે સરકારને સાચી લાગણી હોય તો ચારેબાજુ દિવાલ બનાવો અને તેમના માટે પાકા મકાનો બનાવીને તેમને આપો. વાસ્તવમાં ભાજપ દ્વારા પ્રજાના પૈેસાનો દૂરપયોગ થઇ રહ્યો છે. ટ્રમ્પ-મોદીની આગામી અમદાવાદ મુલાકાતની વૈશ્વિક લેવલે ચર્ચામાં છ, ત્યારે અમદાવાદમાં કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા અને દિવાલ પાછળ ખર્ચવામાં આવી રહ્યા છે.

            એરોપોર્ટ પાસે ઇન્દિરા બ્રીજ નજીક સરણીયા વાસની ગરીબી ડોનાલ્ડ ટ્રમ્પ જોઈ ન જાય તે માટે દિવાલ બનાવી દેવાતાં ગરીબ ઝુંપડાવાસીઓની વ્યથા સાંભળવા આજે શંકરસિંહ વાધેલા રૂબરૂ ત્યાં પહોંચ્યા હતા અને તેમને મળ્યા હતા. આ વખતે બાપુએ ભાજપ સરકારને આડા હાથે લીધી હતી અને જણાવ્યું હતું કે, બંને દેશના મહાનુભાવનું આગમન સ્વીકાર્ય છે. પરંતુ આ દિવાલ પાછળ શુ છુપાવવા માંગો છો? દિવાલથી ઢાંકીને શું સંદેશ આપવા માંગો છો? ધાર્યું હોત તો બધા મકાન બની ગયા હોત. અહીં રહેનાર લોકો ટેક્ષ પેયર છે. ટ્રમ્પ તો પોતાનું માર્કેટિંગ કરવા માટે આવે છે. ગરીબોની સરકાર હોવાની દાવો કરનાર ભાજપને જો એટલો જ પ્રેમ ઉભરાતો હોય તો, ગરીબોને પાકા મકાનો આપો, બેરોજગાર યુવાઓને રોજગારી-નોકરી આપો. પ્રજાના પૈસાનો આ પ્રકારે દૂરપયોગ યોગ્ય નથી. જો દિવાલના ઓઠા હેઠળ તમે ગરીબોને ચણશો તો, સમય આવ્યે આ ગરીબો ભાજપને ચણશે એ ભાજપ યાદ રાખી લે. બીજીબાજુ, જે સ્થળે આ દિવાલ બનાવાઇ છે ત્યાં ભૂખ હડતાલ શરૂ થઈ ગઈ છે.

            કેરળની સોશિયલ વર્કર અશ્વતી જ્વાલાએ સરણીયા વાસ સ્લમની સામે બનેલી દિવાલની પાસે ભૂખ હડતાલની શરૂઆત કરી દીધી છે. જ્વાલા એક સામાજિક સંગઠન ચલાવે છે, જે વિસ્થાપિત અને વૃદ્ધ લોકોને ભોજન અને રહેવાની સગવડ કરાવી આપે છે. ભૂખ હડતાલ વિશે જ્વાલાનું કહેવું છે કે, તેણે ન્યૂઝપેપરો દ્વારા ઝુપડાઓ છુપાવવા માટે ગુજરાત સરકાર તરફથી બનાવવામાં આવી રહેલી ૬૦૦ મીટરની દિવાલ વિશે વાંચ્યું. મને તે વાંચી ઝટકો લાગ્યો. ત્યાર બાદ ઝુપડાઓના સમર્થનમાં મેં હડતાલ કરવાનો નિર્ણય લીધો. જ્વાલાએ ત્યાંના લોકોની મુલાકાત કરી અને જાણ્યું કે, પોલીસે ઝુપડામાં રહેનારા લોકોને ડરાવ્યા છે. તેનું કહેવું છે કે, સરકાર આ લોકોની સાથે જે કરી રહી છે તે અત્યાચાર જ છે. સરકારે અહીં રહેનારા લોકોને ફરી આ સ્થળે વસાવવા જોઈએ.

(9:53 pm IST)