Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

મ્યુચ્યુઅલ ફંડનું કદ ૫૦ લાખ કરોડને આંબી જશે

મ્યુચ્યુલ ફંડનું કદ હાલ ૨૮ લાખ કરોડ છે : આવનારા સમયમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ બચત અને રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે :પેશ્તન દસ્તુરનો દાવો

અમદાવાદ,તા. ૧૯  : દેશમાં આર્થિક ચઢાવ-ઉતાર વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ તેનો ગ્રોથ રેટ સારી રીતે આગળ ધપાવવામાં સફળ રહી છે. ખાસ કરીને આવનારા સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને તેના પર સારા રિટર્નની ધણી સારી અને ઉજળી તકો રહેલી છે. આંકડાકીય દ્રષ્ટિકોણથી વાત કરીએ તો, દેશમાં હાલ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ આશરે રૂ.૨૮ લાખ કરોડને આંબી ગઇ છે અને આવનારા સમયમાં ૨૦૨૫ સુધીમાં તે રૂ.૫૦ લાખ કરોડને આંબે તેવી શકયતા છે એમ અત્રે ફ્રેન્કલીન ટેમ્પલટનના નેશનલ સેલ્સ ડાયરેકટર પેશ્તન દસ્તુરે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં બચત અને રોકાણના આશયથી એસઆઇપી થ્રુ સામેલ થવુ તે પ્રત્યેક રોકાણકાર માટે ધણું લાભદાયક બની રહેવાની આશા છે.

           દેશની કુલ રૂ.૨૮ લાખ કરોડની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં આશરે બે કરોડ જેટલા લોકોએ સીધુ રોકાણ કર્યું છે, તો આઠ કરોડ લોકોનો ફોલીયો નોંધાયો છે. વળી, કુલ રોકાણમાં ૪૪ ટકા લોકોએ સીધુ જ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું છે, જયારે બાકીના લોકોએ સર્વિસ પ્રોવાઇડર, એજન્ટ્સ કે અન્ય સ્ત્રોત મારફતે રોકાણ કર્યું છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં ફ્રેન્કલીન ટેમ્પલટન દેશની ટોપ ટેન કંપનીઓમાં આવે છે, જેનો ગુજરાતમાં ૧૧ ટકા હિસ્સો છે અને ગુજરાત દેશના બિઝનેસમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટક બાદ ૪થા નંબરે આવતું હોઇ આ રાજય મ્યુચ્યુલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ માટે બહુ મહત્વનું મનાય છે. ફ્રેન્કલીન ટેમ્પલટનના મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં ૮૫ ટકા રિટેઇલ માર્કેટનો હિસ્સો છે, જયારે ૧૫ ટકા કોર્પોરેટ કલાયન્ટનો હિસ્સો છે. ફ્રેન્કલીન ટેમ્પલટનના નેશનલ સેલ્સ ડાયરેકટર પેશ્તન દસ્તુરે ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં તેઓ હવે કોર્પોરેટ કલાયન્ટ્સને ફોકસ કરી રહ્યા છે અને આ માટે ખાસ સ્ટ્રેટેજી સાથે બિઝનેસમાં આગળ વધી રહ્યા છે. ફ્રેન્કલીન ટેમ્પલટન રૂ.બે લાખ કરોડની તેની સાઇઝ સાથે ૨૩થી ૨૪ના ટકાના ગ્રોથ રેટ સાથે સફળતાપૂર્વક આગળ વધી રહી છે.

            બાળકોના અભ્યાસ કે તેમના ભવિષ્ય, લગ્ન અને કારકિર્દીની સાથે સાથે જીવનના પાછલા વર્ષોમાં આર્થિક ટેકા અને જરૂરિયાત સંતોષવા માટે હાલ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અને બચતનો શ્રેષ્ઠ વિકલ્પ છે ત્યારે ફ્રેન્કલીન ટેમ્પલટન તેના રિટેઇલ અને કોર્પોરેટ કલાયન્ટના ગ્રાહકોને સંતોષજનક અને ઉત્કૃષ્ટ સેવા આપવા માટે કટિબધ્ધ છે. મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને એક નિશ્ચિત રકમ એસઆઇપી થ્રુ જમા કરાવવાનો સરળ વિકલ્પ ઉપલબ્ધ છે, જે અમુક સમય પછી લમ્પસમ્પ એમાઉન્ટ મેળવી શકાય છે, જે જરૂરિયાતના સમયે ધણી ઉપયોગી બની રહે છે. મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ આધારિત છે, તેથી માર્કેટ ડાઉન થાય તો પણ ગભરાવાની જરૂર નથી કારણ કે, તેવા સમયે ઓછી કિંમતે મ્યુચ્યુઅલ ફંડ ખરીદી જયારે માર્કેટમાં તેજી આવે ત્યારે ઉંચા રિટર્ન અને વળતર કમાવી શકાય છે. દેશની મ્યુચ્યુઅલ ફઁડ ઇન્ડસ્ટ્રીઝ બહુ નોંધનીય રીતે હરણફાળ ભરી રહી છે, તેથી તે આવનારા સમયમાં બચત અને રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે.

(9:50 pm IST)