Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

વિદ્યાર્થીનીએ ફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ચકચાર

ધોરણ-૧૦ની વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરાયો : પરીક્ષા તૈયારીઓ પૂરી થઇ ન હોવાથી ડિપ્રેશનમાં હોવાની આશંકા : વડોદરામાં આત્મહત્યાની ઘટનાના કેસમાં તપાસ

અમદાવાદ, તા.૧૯ : વડોદરામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્વે ધો-૧૦ની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વિદ્યાર્થીનીએ બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવતાં સ્થાનિક લોકોમાં પણ અરેરરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. તો, બીજીબાજુ, પરિવાર ઘેરા આઘાતમાં ગરકાવ બન્યું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારના સ્વામીનારાયણ મંદિર પાસે સોના એન્કલેવમાં રૂશીતા શિતલભાઇ પટેલ (ઉ.વ.૧૬) પરિવાર સાથે રહેતી હતી. આગામી માર્ચ માસમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની લેવાનારી પરીક્ષામાં રૂચિતા પણ ધો-૧૦ની પરીક્ષા આપવાની હતી. પરંતુ પરીક્ષાના દિવસો નજીક હોવાથી અને પરીક્ષાની તૈયારી પૂરી થઇ નહી હોવાથી તેણી ડિપ્રેશનમાં આવી ગઇ હતી. જેના કારણે તેણે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

           બનાવની જાણ ફતેગંજ પોલીસને થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂશીતા પટેલે બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. રૂશીતાના પિતા એન્જિનિયર છે અને માતા ખાનગી સ્કૂલમાં ટીચર તરીકે ફરજ બજાવે છે. રૂશિતાના માતા સાંજે છ વાગે ઘરે આવતા દીકરીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન તેમણે પતિ અને પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, પરિવાર પર જાણે આભ તૂટી પડયુ હતુ. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

(8:58 pm IST)