Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

નમસ્તે ટ્રમ્પ : ગાંધી આશ્રમ છાવણીમાં રૂપાંતરિત કરાયું

ગાંધી આ શ્રમ ખાતે તૈયારીઓ અંતિમ તબક્કામાં : ગાંધી આશ્રમની આસપાસ રોડ રસ્તાઓ વ્યવસ્થિત કરી દેવાયા : ચારેબાજુ બેરીકેડ મુકાયા : ખૂબસુરતી વધારાઈ

અમદાવાદ, તા.૧૯ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ યાત્રાને લઈને તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. તંત્રના લોકો ચોવીસ કલાક કામે લાગેલા છે. ટ્રમ્પનું સ્વાગત કરવા અભતૂપૂર્વ આયોજન થઈ રહ્યું છે. ઐતિહાસિક ગાંધીઆશ્રમની આસપાસના વિસ્તારને નવા રંગરૂપ સાથે રજુ કરતા શહેરના લોકો પણ હવે ગર્વ અનુભવ કરી રહ્યા છે. ચારેબાજુ બેરીકેડ અને રોડ રસ્તા વધુ સુંદર બનાવી દેવામાં આવ્યા છે. ગાંધીઆશ્રમ ટ્રમ્પના આગમન પહેલા જ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ  તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઇ સાબરમતી ગાંધીઆશ્રમમાં સ્ટેજ બનાવવા, પડદા લગાવવા સહિતની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજીબાજુ, ટ્રમ્પ, તેમના પત્ની અને મોદીની સુરક્ષાને લઇ ગાંધીઆશ્રમમાં અને તેની ફરતે લોખંડી સુરક્ષા વ્યવસ્થાનું અભેદ્ય કવચ ઉભુ કરાઇ રહ્યું છે.

         અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી તા.૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યાં છે, તેના એક દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચે તેવી પૂરી શક્યતા છે. ત્યારે તેમની મુલાકાતને લઈને અમદાવાદમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને ગાંધી આશ્રમના કાર્યક્રમને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગાંધી આશ્રમમાં સ્ટેજ , પડદા બનાવવા, સુરક્ષા વ્યવસ્થા સહિતની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. ટ્રમ્પ અને તેમના પત્ની ગાંધી આશ્રમમાં ૩૦ મિનિટ જેટલું રોકાણ કરવાના છે. તેમના આગમન સાથે જ સૌપ્રથમ ગાંધી આશ્રમ દ્વારા બંન્ને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે. મોદી અને ટ્રમ્પ આશ્રમમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે જશે. જ્યાં તેઓ ગાંધીજીને સુતરની આંટી પહેરાવી બાપુને વંદન કરશે. ત્યાંથી તેઓ મગન નિવાસમાં જશે. ગાંધીજી જે ઓરડીમાં રહેતા હતા અને જે ચરખા પર રેંટિયો કાંતતા હતા, તે જગ્યા એટલે કે હૃદયકુંજમાં જશે. જ્યાં મોદી, ટ્રમ્પ અને તેમના પત્નીને સમગ્ર માહિતી આપશે અને ટ્રમ્પ ત્યાં રેંટિયો કાંતશે. ત્યારબાદ તેઓ સાબરમતી નદી કિનારે બનાવેલા સ્ટેજ પરથી નદીનો નજારો માણશે.

         રિવરફ્રન્ટ પરથી મ્યુનિસિપલ સ્કૂલના બાળકો બંન્ને દેશના ધ્વજ હાથમાં રાખી તેઓનું અભિવાદન કરશે. ટ્રમ્પ અને મેલેનિયાને પીએમ મોદી ગાંધીજી અને તેમના આશ્રમ વિશેની ઐતિહાસિક જાણકારી આપી માહિતગાર કરશે. સાથે સાથે ટ્રમ્પ દંપતી આશ્રમમાં આવેલા મ્યુઝિયમની પણ મુલાકાત લેશે અને વિઝિટર બુકમાં નોંધ પણ લખશે. આશરે ૩૦ મિનિટ જેટલા સમયગાળામાં સાબરમતી, ગાંધી આશ્રમની મુલાકાત ટ્રમ્પ દંપતીને યાદગાર બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગાંધી આશ્રમમાં કેટલીક જગ્યાઓએ પડદા મારી દેવામાં આવશે. ખાસ કરીને હૃદયકુંજની પાછળ પણ પડદા મારવામાં આવશે. આજે એસપીજીએ સલામતી વ્યવસ્થાને લઈ ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી. રિવરફ્રન્ટ તરફ જવાની લોબી પાસે સામાન્ય લોકોને જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બંને મહાનુભાવોની મુલાકાત ટાણે નાગરિકોને પ્રવેશ નહી અપાય અને સુરક્ષાની ખાસ તકેદારી રાખવામાં આવશે. આ માટે ગાંધીઆશ્રમ અને તેની ફરતે અભેદ્ય સુરક્ષા કવચ ઉભુ કરાઇ રહ્યું છે.

(8:56 pm IST)