Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

નડિયાદ તાલુકાના ઉત્તરસંડામાં રાત્રીના સમયે ગાડીમાં મોટા અવાજે ટેપ વગાડવા મુદ્દે બે પરિવાર વચ્ચે ઝઘડો:સામસામે હુમલામાં ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ: તાલુકાના ઉત્તરસંડામાં ગત રાત્રીના સમયે ગાડીમાં મોટા અવાજે ટેપ વગાડવા મુદ્દે પરમાર અને ભોઈ પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. સાવ નજીવી બાબતે થયેલો ઝઘડો ઉગ્ર બનતાં બંને પક્ષો લાકડીઓ લઈ સામસામે આવી જતાં બંને પક્ષોના મળી કુલ ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવ અંગે ચકલાસી પોલીસ મથકમાં સામસામે ફરીયાદ નોંધાતાં પોલીસે બંને પક્ષોના મળી કુલ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ઉત્તરસંડાના કાછલાની કુઈ વિસ્તારમાં રહેતાં નાગજીભાઈ મોહનભાઈ પરમાર અને કિશનભાઈ મનુભાઈ પરમાર ગતરોજ રાત્રીના દશ વાગ્યાના અરસામાં ઘર નજીક આવેલ રામદેવપીર મંદિરના પાછળના ભાગે તેમની ગાડી ધોતાં હતાં. તે વખતે ગાડીમાં મોટા અવાજે ટેપ વગાડતાં હોઈ ત્યાં નજીકમાં રહેતાં લાલાભાઈ મંગળભાઈ ભોઈએ ટેપ વગાડવા મુદ્દે નાગજીભાઈને ઠપકો આપ્યો હતો. જેથી નાગજીભાઈએ ગમેતેમ અપશબ્દો બોલી લાલાભાઈ સાથે ઝઘડો કર્યો હતો. અને ઉશ્કેરાઈ જઈ લાલાભાઈની ફેંટ પકડી માર મારવા લાગ્યાં હતાં. જેને લઈ નજીવી બાબતે થયેલો ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો. બંને પક્ષો લાકડાના ડંડા લઈ સામસામે આવી ગયાં હતાં. જેમાં લાલાભાઈ મંગળભાઈ ભોઈ અને મેહુલભાઈ ઘનશ્યામભાઈ ભોઈને તેમજ સામેપક્ષે મંગળભાઈ ઘેમાભાઈ પરમાર અને હિતેશભાઈ મોહનભાઈ પરમાર મળી કુલ ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.

(5:58 pm IST)