Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના પત્નીને પીરસવામાં આવનાર દરેક વાનગીઓ અમેરિકન એજન્સીઓ પહેલા ચેક કરશે પછી જ આપશે

અમદાવાદ : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ વોશિંગ્ટનથી સીધા અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના દિવસે ભારતના પ્રવાસ પર છે. આ માટે ગુજરાતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારત અને અમેરિકા બન્ને દેશો વચ્ચે નાના સ્તરે વેપાર સમજૂતિ અને અમેરિકન કંપનીઓ દ્વારા મોટા પાટે રોકાણ આવવાની આશા સેવાઈ રહી છે. ભારતને આશા છે કે, અમેરિકા ઈસ્પાત અને એલ્યુમિનિયમના કેટલાક ઉત્પાદકો પર લાદેલા ભારે ટેક્સમાં છૂટ આપશે, જે અમેરિકા દ્વારા લગાવવામાં આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ તથા ફર્સ્ટ લેડી મેલેનિયા તારીખ 24 અને 25 ફેબ્રુઆરી ભારતનાં પ્રવાસે છે. તેઓ પહેલા અમદાવાદ આવશે. અમદાવાદમાં 3:30 કલાક રોકાશે. જેમાં તેઓ રોડ શોમાં અડધો કલાક, ગાંધી આશ્રમમાં 30 મિનિટ અને મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં 2.30 કલાક રોકાશે. ટ્રમ્પ બીજા દિવસે 25મી તારીખે તાજમહેલ જોવા જશે. તેમની આ મુલાકાત વખતે સુરક્ષા સ્થિતિને સઘન બનાવવામાં આવી છે.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની ખાસ 10 વાતો

1. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ અને પીએમ મોદીની અમદાવાદ મુલાકાતને પગલે મોટેરા સ્ટેડિયમ, ચાંદખેડા, સરદારનગર, કોતરપુર વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા રાઉન્ડ ઘી ક્લોક પેટ્રોલિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે મોટેરા સ્ટેડિયમના પાંચથી 10 કિલોમીટર આસપાસના વિસ્તારમાં આવેલી હોટલોનું પણ એસઓજી, ક્રાઇમ તથા સ્થાનિક પોલીસ દ્વારા દિવસમાં પાંચ વખત ચેકીંગ હાથ ધરાશે.

2. હોટલ માલિકોને સૂચના પણ અપાઈ છે કે, હોટલના ગેસ્ટનું લિસ્ટ રોજ સવારે અને સાંજે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવાવનું રહેશે. અને કોઈ પણ અજાણી વ્યક્તિને હોટલમાં રૂમ આપવો નહીં અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ દેખાય તો તાતકાલિક અસરથી પોલીસને જાણ કરવાની મૌખિક સૂચના અપાઈ ગઈ છે.

3. સ્ટેડિયમની આસપાસના રહીશોને પોલીસ વિભાગ તરફથી મૌખિક સૂચના આપવામાં આવી છે કેદરેક વ્યક્તિ પોતાનું ઓળખપત્ર પોતાની સાથે રાખે કારણ કે ગમે ત્યારે કોઈ પણ સુરક્ષા એજન્સીના કર્મીઓ ઓળખ કાર્ડ માંગી શકે છે.

4. રોડ શો દરમિયાન 35 ડિગ્રી ગરમીમાં શેકાઇને આવેલા ટ્રમ્પ અને મેલેનિયા માટે સ્ટેડિયમમાં થોડીક વાર માટે આરામ કરી શકે તે માટે આલિશાન સ્યુટ બનાવાયો છે. જેમાં અમેરિકન પ્રોટોકોલ મુજબની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ જ પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ સ્યુટ તૈયાર કરાયો છે.

5. ડોનાલ્ડ ટ્રમ્પનાં આલિશાન સ્યૂટમાં સુંદર કલાત્મક ફર્નિચરથી ગ્રીન રૂમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ બંને મહાનુભાવો કાળઝાળ ગરમીમાં રોડ શો પૂર્ણ કર્યા બાદ થોડીક મિનિટો આરામ કરશે. ટ્રમ્પ અને મેલાનિયા માટે વિવિધ પ્રકારનાં પીણા અને જમવાનું પીરસવામાં આવશે.

6. ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્નીને પીરસવામાં આવેલી દરેક વાનગીઓ અમેરિકન એજન્સીઓ પહેલા ચેક કરશે ત્યાર બાદ જ મહાનુભાવોને પીરસવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્નીને પીરસવામાં આવેલી દરેક વાનગીઓ અમેરિકન એજન્સીઓ પહેલા ચેક કરશે ત્યાર બાદ જ મહાનુભાવોને પીરસવામાં આવશે.

7. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન મોટેરા ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરવાના છે. આ પ્રસંગે BCCIના તમામ હોદ્દેદારો તેમજ સચિન ગાવાસ્કર સહિતના દિગ્ગજ ક્રિકેટરો હાજર રહેશે. ઉપરાંત નમસ્તે ટ્રમ્પ અને રોડ શોમાં બને એટલા વધુ લોકો આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમમાં વીવીઆઈપી લોકો આવાને બદલે બને એટલા મહત્તમ લોકો એકત્રિત થાય તેવું ટ્રમ્પનું કાર્યાલય ઈચ્છે છે.

8. રોડ શોમાં ટ્રમ્પ-મોદીને આવકારવા 350થી વધુ હોર્ડિંગ્સ લગાવાઇ રહ્યા છે. આ હોર્ડિંગ્સની ડિઝાઈન અને ફોટા પીએમઓએ મંજૂર કર્યા છે. હોર્ડિંગ્સમાં બે પ્રતિભાશાળી વ્યકિતત્વનું મિલન, બે વિરાટ લોકતાંત્રિક પરંપરા એક મંચ પર, એક ઐતિહાસિક પડાવ ભારત-અમેરિકા મૈત્રીનો, બે મહાન દેશોનું મિલન, મજબૂત નેૃતત્વ મજબૂત લોકતંત્ર, વિશ્વની સૌથી જૂની લોકશાહી મળશે વિશ્વની સૌથી મોટી લોકશાહીને, ભારત-અમેરિકા મળશે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર..જેવા સ્લોગન જોવા માટે મળી રહ્યા છે.

9. 24 ફેબ્રુઆરીએ અમદાવાદ શહેરમાં બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું લોકાર્પણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. તે પહેલા આ બન્ને 23 કિલો મીટરનો રોડ શો કરશે. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા સિવાયના 10 જિલ્લામાંથી સવા લાખ માણસો બોલાવવામાં આવ્યા છે. જયારે આ તમામ લોકોને કાળા કપડાં ન પહેરવા કે પછી કાળો રૂમાલ પણ જોડે ન રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

10. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને તૈયારીઓના ધમધમાટ વચ્ચે અમેરિકાથી વિશેષ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યુ છે. આ વિમાનમાં અમેરિકી સ્નાઈપર, ફાયર સેફ્ટી સિસ્ટમ, સ્પાય કેમેરા અને મરીન કમાન્ડો સાથે જોડાયેલી સુરક્ષા સામગ્રી આવી હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી અને વડાપ્રધાન મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવવાનાં છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા પાલડી અને સ્ટેડિયમ ખાતે કંટ્રોલ રુમ ઉભો કરવામાં આવ્યો છે.

(4:23 pm IST)