Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

દેણું ઉતારવા દોઢ કરોડના સોનાના પાવડરની ચોરી : દિલ્હીથી ચોરને ખાસ તેડાવેલો

પોલીસ ધારે તો અશકયને કઇ રીતે શકય બનાવી શકે તેનું અદભુત ઉદાહરણ સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ટીમે પુરૂ પાડયું: જવેલર્સો આફ્રીન : પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટના સીધા સુપર વીઝનમાં એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર.સરવૈયાની ટીમ દ્વારા ગુજરાતભરમાં ચકચારી બનેલ સોનાના પાવડર ચોરીનો આ રીતે ભેદ ઉકેલ્યોઃ રસપ્રદ કથા

રાજકોટ, તા., ૧૯: સમગ્ર ગુજરાતમાં  ચકચાર જગાવનાર સુરતના દોઢ કરોડ સોનાના પાવડર ચોરી પ્રકરણમાં પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટના સીધા સુપરવીઝનમાં એડીશ્નલ પોલીસ કમિશ્નર (ક્રાઇમ એન્ડ ટ્રાફીક) એચ.આર.મુલીયાણા, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર.સરવૈયાના માર્ગદર્શનમાં ચાલતી તપાસમાં રસપ્રદ અને ચોંકાવનારો ખુલાસો થયો છે. બે કારીગરો ઉપર પાંચ લાખનું  દેવું થઇ જતા સોનાના પાવડર તૈયાર કરતી ફેકટરીમાં ચોરી કરવા માટે દિલ્હીથી 'દિલ્હી કા ઠગ' અર્થાત દિલ્હીથી આવી ચોરીઓના માસ્ટર માઇન્ડને ખાસ તેડાવામાં આવ્યો હતો.

અત્રે યાદ રહે કે આવડી મોટી રકમના સોનાના પાવડરની ચોરી થતા જ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો કામે લાગી હતી. સીસીટીવીની ચકાસણી રેલ્વે સ્ટેશન સુધી કરવામાં આવતા શંકાસ્પદ શખ્સો જણાયેલા. આ શખ્સોની તપાસ દરમિયાન એક શખ્સનું સરનામું મળી આવતા ૯ આરોપીઓને પોલીસે ગણત્રીના કલાકોમાં જ ઝડપી લેતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને ટીમ સાથે જવેલર્સો દ્વારા સુરતના પોલીસ કમિશ્નર પર અભિનંદનની વર્ષાઓ થઇ હતી.

દાગીના બનાવતા લલન શેખ અને અરમાન મંડલ પર પાંચ લાખનું દેવું થતા આ દેવું ચુકવવા માટે શું કરવું? તે માટે સંજય નામના શખ્સનો સંપર્ક સાધતા તેણે જણાવેલ કે ૪ વર્ષ અગાઉ નોકરી કરી ચુકેલા દેવ આશીષ નામના શખ્સનો સંપર્ક કરાવ્યો.

આમ ચોરીના નિષ્ણાંતોની ખાસ બેઠક મળી પરંતુ બારીનું લોક સ્થાનીક ચોરોથી તુટે તેવું ન હોવાથી આ કામના એક માસ્ટર માઇન્ડને દિલ્હીથી બારીનું લોક તોડવા ખાસ તેડાવ્યો હતો.

ટોળકીએ ૧પ મી તારીખે પરોઢીયે કારખાનાના તાળા તોડી ૧.૪૧ કરોડના સોનાના પાવડરની ચોરી કરી હતી. પોલીસ કમિશ્નરે બનાવની ગંભીરતા પારખી સમગ્ર તપાસનું સુકાન એચ.આર.મુલીયાણા, રાહુલ પટેલ અને આર.આર.સરવૈયાને સુપ્રત થતા જ તેઓએ ઉંડાણપુર્વકની તપાસની રણનીતી ઘડી હતી. વિવિધ ટીમો સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી ક્રાઇમ બ્રાન્ચમાં તપાસી રહી હતી ત્યારે સાકીબ અને રાહુલદીનની હિલચાલ કારખાનામાં દાખલ થતી વખતે શંકાસ્પદ જણાઇ હતી.

સીસીટીવીના અન્ય ફુટેજમાં નુરહસન નામનો શખ્સ ગલીમાં ઉભો હતો. અરમાન અને લાલન નામના બંગાળી કારીગરો બાઇક પર અને મોપેડ પર સાકીબ અને રાહુલદીન અને નુરહસનને મુકવા રેલ્વે સ્ટેશને ગયેલા. તે સીસીટીવી ફુટેજમાં કેદ થઇ ગયેલું. આમ સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ટીમે ગણત્રીના દિવસોમાં અશકયને શકય કરી બતાવ્યું છે.

(12:29 pm IST)