Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ટ્રમ્પ મોટેરા સ્ટેડીયમનું ઉદ્ઘાટન નહિ કરેઃ માત્ર 'નમસ્તે ઇન્ડિયા' કાર્યક્રમ યોજાશે

સ્ટેડીયમનું ઉદ્ઘાટન તો એક ભારતીયના હસ્તે થશે : જે ભવ્ય અને રોમાંચિત હશે

અમદાવાદ તા. ૧૯ : દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, મોટેરા સ્ટેડિયમનું ઉધ્ઘાટન અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે નથી થવા જઈ રહ્યું. હાં, તમે સાચું જ વાંચ્યું છે. આગામી ૨૪ ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત મુલાકાતે આવનાર છે અને અમદાવાદમાં આવશે જેને લઈને તડામાર તૈયારીઓ અને કરોડો રુપિયાનું આંધણ કરવામાં આવ્યું છે. જોકે આ મુલાકાત દરમિયાન તેઓ મોટેરા સ્ટેડિયમ કે જેને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નામ આપાવામાં આવ્યું છે તેનું ઉધ્ઘાટન ટ્રમ્પના હસ્તે નહીં થાય તેમ ખુદ વડાપ્રધાન મોદીની સત્તાવાર ઓફિસના સૂત્રોએ જણાવ્યું છે.

ટ્રમ્પની ભારત મુલાકાત સાથે જોડાયેલા દિલ્હીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે 'સરકારે કયારેય એવી જાહેરાત કરી નથી કે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે. હકીતતમાં જે ઉદઘાટનની વાત છે તે ફકત અને ફકત શંકા અને અનુમાનો લગાવીને ચલાવવામાં આવી છે. અમે કયારેય આવી જાહેરાત કરી જ નથી.' તેમ અમદાવાદ મિરર જણાવે છે.

બીસીસીઆઇએ કહ્યું કે તેઓ પણ એવું જ માની રહ્યા હતા કે વડાપ્રધાન મોદીના ગૃહ રાજયમાં યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા આ સ્ટેડિયમનું ઉદઘાટન થશે. જોકે તેમણે વધુમાં કહ્યું કે, 'અમે પણ આ માટે આમંત્રણ અંગે રાહ જોઈ રહ્યા હતા અને ભારતીય ક્રિકેટ ટીમ તેમજ અનેક સેલેબ્રિટિઝને આ સ્ટેડિયમના ઉદઘાટન પ્રસંગે લઈ જવાનો પ્લાન તૈયાર કરી રહ્યા હતા.'

ટ્રમ્પ અને મોદીનો ભવ્ય કાર્યક્રમ સ્ટેડિયમમાં જ યોજાવાનો છે પરંતુ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવનાર નથી. દિલ્હીમાં રહેલા અન્ય એક ઉચ્ચ અધિકારીએ પણ મિરરને જણાવ્યું કે 'પ્રેસિડેન્ટ ટ્રમ્પ આ ભારતીય ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે તેવું ફકત તારણોના આધારે જ લોકોએ માની લીધું હતું. જયારે તેમની મુલાકાતના શેડ્યુલમાં આવી કોઈ વાતનો ઉલ્લેખ જ નથી.' તેમ અમદાવાદ મિરર ઉમેરે છે.

તેમણે વધુમાં કહ્યું કે, 'આ ક્રિકેટ ઈવેન્ટ ન હોવાથી કોઈ ક્રિકેટરને પણ આ માટે આમંત્રિત કરવામાં આવ્યા નથી.' સૂત્રોએ કહ્યું કે, 'મોટેરા સ્ટેડિયનું ઉદઘાટન ખૂબ જ ભવ્ય અને રોમાંચિત કરી દેનારું હશે પરંતુ તે ઉદઘાટન એક ભારતીય દ્વારા જ કરવામાં આવશે નહીં કે વિદેશી મહેમાન દ્વારા કેમ કે મોટેરા એ ભારતનું ગૌરવ છે.'

જોકે સ્ટેડિયમના ઉદ્ઘાટનને કેમ એકદમ જ સાઈડ પર મૂકી દેવામાં આવ્યું છે તે અંગે મગનું નામ મરી પાડવા માટે કોઈ અધિકારી તૈયાર નથી. દરેક અધિકારી એક જ વાત કરે છે કે આ તો ફકત અનુમાનો લગાડવામાં આવ્યા હતા. તેમજ PMOના અધિકારીએ તો મીડિયા પર જ ટોપલો ઢોળી દેતા કહ્યું ફકત અનુમાનો અને તારણોના આધારે સમાચાર માધ્યમોએ જ આ સ્ટોરીને ચલાવી હતી.

જોકે સ્ટેડિયમનું ઉદ્ઘાટન પાછળ ઠેલાઈ જવાથી મોટેરા સ્ટેડિયમ પોતાનું આકર્ષણ જરા પણ ગુમાવી દેતું નથી. આ સ્ટેડિયમ ફકત ક્રિકેટ જગતમાં જ અમદાવાદને ટોચ પર નહીં લઈ જાય પરંતુ વિશાળ સ્ટેડિયમના કારણે ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, કબડ્ડી, બોકિસંગ, એથલેટિક ટ્રેક, સ્કવોશ, બેડમિંટન જેવી રમતોને પણ પ્રોત્સાહન મળશે. ૧,૧૦,૦૦૦ની સીટિંગ કેપેસિટી સાથે ૪ વર્લ્ડકલાસ ડ્રેસિંગ રૂમ આ સ્ટેડિયમની અનેક ખાસિયતોમાંથી એક છે.

મહત્વનું છે BCCI પ્રમુખ સૌરવ ગાંગૂલીએ તો જાહેરાત પણ કરી દીધી છે કે આગામી સીઝનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ ક્રિકેટ અહીં રમાશે. તેમજ બોર્ડ દ્વારા આ નવા સ્ટેડિયમના ઈંગ્લેન્ડ સાથેની પહેલી પિંક બોલ ટેસ્ટ મેચ માટે પણ આ સ્ટેડિયમ પર મહોર મારવામાં આવી છે

(11:34 am IST)