Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ૨૮મીએ ગાંધીનગરમાં પ્રથમ જ ચૂંટણી સભા ગજવશે

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ની સાથે કોંગ્રેસ પ્રમુખ રાહુલ અને સોનિયા ગાંધી રહેશે : ૨૮મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠકને લઇ ગુજરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા ચાલી રહેલ તડામાર તૈેયારીઓ

અમદાવાદ,તા. ૧૯ : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પોતાની રાજકીય કારકિર્દીની સૌપ્રથમ ચૂંટણી સભા આગામી તા.૨૮ ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર ખાતે સંબોધિત કરવાના છે, જેને લઇ ગુજરાત કોંગ્રેસ દ્વારા ખાસ તૈયારીઓ ચાલી રહી છે.  અડાલજના ત્રિમંદિર મેદાન ખાતે યોજાનારી આ ચૂંટણી સભામાં પ્રિયંકાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાશે. ગાંધીનગર ખાતે પ્રિયંકા પોતાની સૌપ્રથમ ચૂંટણી સભા સંબોધીને સીધે સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પડકાર ફેંકશે અને ગુજરાતની જનતાને ફરી એકવાર કોંગ્રેસને સત્તાનું શાસન સોંપવા માટે અનુરોધ કરશે. લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પક્ષ હવે એકદમ એકશન મોડમાં છે અને આ વખતે કોઇપણ ભોગે સત્તાના શિખરો સર કરવા માટેનું બહુ ગણતરીપૂર્વકનું પ્લાનીંગ અને રણનીતિ ઘડી રહી છે. કોંગ્રેસ વર્કિંગ કમીટી(સીડબલ્યુસી)ની બહુ મહત્વની બેઠક આ વખતે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં અને તે પણ અમદાવાદમાં તા.૨૮મી ફેબ્રુઆરીએ યોજાવાની છે. કોંગ્રેસ વર્કિંગ કમીટીની ગુજરાતમાં યોજાનારી આ મહત્વની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ, એહમદ પટેલ સહિતના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ હાજરી આપશે. સીડબલ્યુસીની બેઠક બાદ ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવે તેવી શકયતા છે, જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ ગુજરાતની જનતાને કોંગ્રેસ તરફી મતદાન માટે આકર્ષવાનો પ્રયાસ કરશે. લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા બહુ ગંભીરતાપૂર્વક અને ગણતરીપૂર્વકના આયોજન ચાલી રહ્યા છે. ખાસ કરીને ચૂંટણીલક્ષી રણનીતિ આ વખતે કંઇક અલગ પ્રકારની ઘડાઇ રહી છે કે જેથી ગુજરાત સહિત દેશના અન્ય રાજયોમાં કોંગ્રેસને મોટો ફાયદો થાય તો, ગઠબંધન અને તડજોડની નીતિના સહારે કેન્દ્રની સત્તા મેળવવાનો સીધો અને મોટો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ વર્કિંગ કમીટી(સીડબલ્યુસી)ની બેઠકમાં બહુ મહત્વની અને નોંધનીય ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. અગાઉ સીડબલ્યુસીની બેઠક તા.૨૬મી ફેબ્રુઆરીએ યોજાવાની હતી પરંતુ હવે તા.૨૮મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક યોજવાનું નક્કી થયું છે અને તે પણ ગુજરાતમાં. જેને લઇ ગુજરાત કોંગ્રેસમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ છવાયો છે. કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ, એહમદ પટેલ સહિતના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ હાજરી આપશે. સીડબલ્યુસીની બેઠક બાદ ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવે તેવી શકયતા છે, જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ ગુજરાતની જનતાને કોંગ્રેસ તરફી મતદાન માટે આકર્ષવાનો પ્રયાસ કરશે, એ વખતે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પોતાની પ્રથમ ચૂંટણીસભાથી ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારના શ્રી ગણેશ કરશે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ હવે સીડબલ્યુસીની બેઠક અને પ્રિયંકા-રાહુલની જાહેરસભાઓને લઇ તડામાર તૈયારીઓમાં પડયા છે.

 

(9:47 pm IST)