Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

વડોદરાના ઉદ્યોગપતિ પુત્રનું અપહરણ કરી લેવાની ધમકી

ધમકી આપનારે ૨૦૨૪માં પૈસા પાછા આપવાનું કહ્યું : પકડાવવા જાળ પણ બીછાવો તો હું પકડાઇ જઇશ પરંતુ હું તમારા પુત્રના મર્ડર માટે ઓલરેડી ઓર્ડર આપી ચૂક્યો

અમદાવાદ,તા. ૧૯ : વડોદરા શહેરના એક ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી જવાની ધમકી આપી એક શખ્સે રૂપિયા ૨૫ લાખની ખંડણી માંગતાં વડોદરા ક્રાઇમ બ્રાંચ સહિત સ્થાનિક પોલીસ તંત્ર દોડતુ થઇ ગયું છે. આર્થિક ભીંસમાં આવી ગયેલા શખ્સે આ ઉદ્યોગપતિને નનામો પત્ર લખ્યો છે. જેમાં તેણે રૂપિયા ૨૫ લાખ ૧૪-૨-૨૪ના રોજ એક ટકા વ્યાજ સાથે રૂપિયા ૪૦ લાખ પરત કરવાની ખાતરી પણ આપી છે. એટલું જ નહી, તેણે એવો પણ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે, મેં હજુ તમારા પુત્રનું અપહરણ કર્યું નથી, તેથી તેનો ફાયદો ના ઉઠાવશો. પરંતુ હું તમારા પુત્રના મર્ડર માટે ઓલરેડી ઓર્ડર આપી ચૂકયો છું. ઉદ્યોગપતિએ આ નનામા પત્રને લઇ ક્રાઇમબ્રાંચને જાણ કરતાં પોલીસે હવે સમગ્ર મામલે યુધ્ધના ધોરણે તપાસ આરંભી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા એક ઉદ્યોગપતિ  તેમના પરિવાર સાથે રહે છે. તેમને બે બાળકો છે. તાજેતરમાં તા.૧૩-૨-૦૧૯ના રોજ તેમના ગેટની બહાર બંધ કવરમાં એક નનામો પત્ર મળ્યો હતો. કવર ઉપર લખ્યું હતું કે, સબ કામ છોડ કર પહેલે પઢો..અરજન્ટ..ઉદ્યોગપતિએ કવર ખોલીને પત્ર વાંચ્યો તો, તેમના હોંશ ઉડી ગયા હતા. પરિવાર ચિંતાતુર બની ગયું હતું. પત્રમાં લખ્યું હતું કે, મારે રૂપિયા ૨૫ લાખની જરૂર છે. આ રકમ હું તમને ૫ વર્ષ પછી એટલે કે, તા.૧૪-૨-૨૦૨૪ના દિવસે રૂપિયા ૪૦ લાખ એક ટકા વ્યાજ સાથે પરત કરી દઇશ. આ બાબતને ગંભીરતાથી લેજો. નહીં તો તમારા મોટા પુત્રનું અપહરણ કરી જઇશ. અને તેને મારી નાંખીશ. મજબૂરીના કારણે મારે આ માર્ગ ઉપનાવવો પડે છે. ઉદ્યોગપતિને નનામો પત્ર લખનારે વધુમાં એમ પણ જણાવ્યું છે કે, રૂપિયા ૨૫ લાખ ક્યાં પહોંચાડવા તેનું સ્થળ અને મેપ આપેલો છે. રૂપિયા ૨૫ લાખ ટુ-વ્હીલર ઉપર સ્કૂલ બેગમાં મૂકવા આવજો. આ રકમ મોકલેલા મેપ પ્રમાણે પહોંચાડશો. મને ખબર છે કે, રૂપિયા ૨૫ લાખ આપણી પાસેથી લેવા માટે અપનાવેલો રસ્તો ખોટો છે. પરંતુ, મારી પાસે બીજો કોઇ રસ્તો નથી. મારી મજબૂરીના કારણે મારે આ માર્ગ ઉપનાવવો પડે છે. મારે રૂપિયા ૨૫ લાખની સખત જરૂર છે. મને ઉછીના આપો છો તેમ સમજીને મને આપજો. તમારા માટે રૂપિયા ૨૫ લાખ તમારા પુત્ર કરતા વધારે નથી. પત્રમાં એમ પણ લખ્યું છે કે, તમે પોલીસ પાસે જઇ શકો છો. પરંતુ પોલીસ મને પકડી શકશે નહીં. કદાચ મને પકડવા જાળ બીછાવો તો હું પકડાઇ પણ જઇશ. પરંતુ, હું તમારા પુત્રના મર્ડર માટે ઓલરેડી ઓર્ડર આપી ચૂક્યો છું. હજુ તમારા પુત્રનું અપહરણ કર્યું નથી. તેનો ફાયદો ઉઠાવશો નહીં. મને રૂપિયા ૨૫ લાખની સખત જરૂર છે. મદદ કરશો. હું તમને વાયદા પ્રમાણે ચોકકસ પરત કરીશ. મારા ઉપર વિશ્વાસ મૂકો. પુત્રનું અપહરણ કરી જવાની ધમકી આપીને રૂપિયા ૨૫ લાખની ખંડણી માંગનારે લખેલા નનામા પત્ર સાથે ઉદ્યોગપતિએ વડોદરા ક્રાઇમબ્રાંચનો સંપર્ક કર્યો હતો અને ડી.સી.પી.ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ પત્રને ગંભીરતાથી લઇ અપહરણની ધમકી આપનારને શોધી કાઢવા માટે પોલીસ જુદી જુદી ટીમો કામે લગાડી હતી. જો કે, બનાવને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને ઉદ્યોગપતિનો પરિવાર ચિંતાતુર બન્યો છે.

 

 

(9:37 pm IST)
  • ટ્રીપલ તલાક : ફરી વટહુકમ લાવવા તૈયારી : બજેટ સત્રમાં બિલ પસાર થઇ શકયું ન્હોતું : સાંજે કેબિનેટ આપશે મંજુરી access_time 4:11 pm IST

  • ભરૂચ એસ.ઓ.જી પોલીસે બી ડિવિઝન પોલીસ મથક ની હદ માંથી કોલ સેન્ટર ઝડપી પાડ્યું :પોલીસે ઝડપી પાડેલા સાત જેટલા ઈસમો અમદાવાદ ના રહેવાસી :પોલીસે કાર સહિત સાધન સામગ્રી ઝડપી પાડી. access_time 4:29 pm IST

  • બેંગ્લોરમાં એર શોમાં મોટી દુર્ધટનાઃ બે સૂર્યકિરણ વિમાન સામસામે અથડાયાઃ બંને વિમાનોના પયલોટ સુરક્ષીત access_time 12:11 pm IST