Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

મહાસુદ પૂનમ : અંબાજીમાં શ્રદ્ધાળુઓનો થયેલો ધસારો

પુલવામા હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થા વધારાઇ : આતંકવાદી હુમલાઓ બાદ ગુજરાતના દ્વારકા, સોમનાથ, અંબાજી સહિતના યાત્રાધામોમાં સુરક્ષા વધારી દેવાઇ છે

અમદાવાદ,તા. ૧૯ : જમ્મુ-કાશ્મીરમાં પુલવામા ખાતે સીઆરપીએફના ૪૪ જવાનો પર આત્મઘાતી હુમલા બાદ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ખાસ કરીને ઈન્ટેલિજેન્સ બ્યૂરો (આઇબી)એ ગુજરાતના મહત્વના સ્થળો પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. જેને લઇ આંતકવાદી હુમલા બાદ દેશમાં ખાસ કરીને ગુજરાતમાં દ્વારકા, સોમનાથ, અંબાજી સહિતના યાત્રાધામોમાં સુરક્ષા વધારી દેવાઇ છે. બીજીબાજુ, લોખંડી સુરક્ષા કવચ અને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ આજે મહાસુદ પુનમ હોવાથી યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.આતંકવાદી હુમલા બાદ પણ શ્રદ્ધાળુઓ આજે ખૂબ મોટી સંખ્યામાં અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા, જે સ્પષ્ટ કરતું હતું કે, આંતકવાદીઓની ગીધડ ધમકીઓથી પબ્લીક ડરી જાય તેવી નથી. આજે મહાસુદ પૂર્ણિમા હોવાથી અંબાજીમાં સવારથી જ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી. પુલવામામાં થયેલા આંતકવાદી હુમલા બાદ પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં સુરક્ષાને વધુ અસરકારક અને સતર્ક કરી દેવામાં આવી હતી. ખાસક કરીને અંબાજી મંદિરમાં પોલીસ, જીઆઇએસએફ, બોર્ડરવીંગ સહિત મંદિર ગાર્ડના જવાનો મંદિરની સુરક્ષા માટે તૈનાત કરાયા હતા. આજે અંબાજી પહોંચેલા યાત્રીઓની તપાસ કર્યા બાદ મંદિરમાં જવા દેવાયા હતા. એટલું જ નહીં સુરક્ષાને લઈ યાત્રિકો પણ જાણે રાહત અનુભવતા હોય તેવું જોવા મળ્યું હતું. સુરક્ષા જવાનોએ સલામતી અને સુરક્ષાના કારણોસર યાત્રાળુઓનું ઔપચારિક ચેકીંગ કર્યું હતું. બીજીબાજુ, અંબાજી આવેલા શ્રદ્ધાળુઓએ આંતકવાદી હુમલાના પગલે નિવેદન કર્યું હતું કે અંબાજીમાં સુરક્ષા હજી વધુ કડક કરવી જોઈએ. એટલુ જ નહી આગામી લોકસભાની ચૂંટણીઓ પણ ટુંક સમયમાં આવનારી છે ત્યારે પુલવામામાં થયેલા આતંકી હુમલાને અંજામ આપવા આવનારી ચૂંટણી ભલે પાછી ખસેડવી પડે તો ખસેડો પણ તે પહેલા હુમલામાં આંતકવાદીઓનો ખાત્મો કરી તેના પરિણામો લોકોને આપવા માંગણી કરાઈ હતી.

 

(9:37 pm IST)