Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

વડોદરાના વાઘોડિયા રોડ પર બાંધકામ દરમ્યાન ચોથા માળેથી પટકાતા કારીગરનું કમકમાટી ભર્યું મોત

વડોદરા:શહેરના વાઘોડિયા રોડ પર નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર ચાલી રહેલ બાંધકામ દરમિયાન રવિવારે સાંજે ચોથા માળેથી પટકાતા કારીગરનું મોત થયુ હતું. વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર બાંધકામ દરમિયાન ઊંચાઇ પરથી પટકતા મોતની ૨૪ કલાકમાં બે ઘટના બની છે જે બતાવે છે કે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર સેફ્ટીના નિયમોનું કોઇ પાલન થતુ નથી અને ફાયર-સેફ્ટી વિભાગ પણ બિલ્ડરોની મહેરબાની નીચે દબાયેલુ હોવાથી શ્રમજીવીઓની સુરક્ષા ભગવાન ભરોસે જ હોય છે.

મૂળ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના મોલગામનો ૨૫ વર્ષનો યુવક બકા મુળીયાભાઇ રાઠવા કળીયા કામનો કારીગર છે અને હાલમાં વડોદરામાં વાઘોડિયા રોડ પર નવા બંધાઇ રહેલ નાથદ્વારા વિલામાં કળીયાકામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. રવિવારે સાંજે તે ચોથા માળ પર કળીયાકામ કરી રહ્યો હતો આ દરમિયાન સેફ્ટીની કોઇ વ્યવસ્થા નહી હોવાથી તે ચોથા માળેથી પટકાયો હતો. નીચે પડતા સાથે જ તેનું મોત થયુ હતું.

 

(5:39 pm IST)