Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

વડોદરાના જાણીતા ન્યુરો સર્જનની પોલીસે ધરપકડ કરવા માટે આવો કિમીયો કરેલો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના વિસ્તારમાં વડોદરા પોલીસ ગુપચુપ રીતે પહોંચી, સીએમ સિકયુરીટીને શંકા જાગી અને ક્રાઇમ બ્રાન્ચની અટક સુધી મામલો પહોંચતા અનુપમસિંહ ગેહલોતે કુનેહપુર્વક બાજી સંભાળી લીધી : તબીબ સામે બળાત્કાર-નગ્ન ફોટાઓનો આરોપ મુકનાર યુવતીએ પોલીસ કમિશ્નરની કામગીરીની મ્હોંફટ પ્રસંશા કરી

રાજકોટ, તા., ૧૯: સમગ્ર ગુજરાતમાં અને રાજયભરની તબીબી આલમમાં ભારે ચર્ચાસ્પદ બનેલ વડોદરા (આકોટા)ના ન્યુરો સર્જન ડો.યશેષ દલાલ કે જેઓની સામે એક ફીજીયોથેરાપીસ્ટ યુવતી સામે બળાત્કારનો આરોપ હોવા ઉપરાંત એ યુવતીના ફોટા વાયરલ કરવાની પણ જેના પર શંકા કરવામાં આવી છે તેવા ફરારી ન્યુરોસર્જન શોધવા માટે વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ  ગેહલોત ટીમની જહેમત રંગ લાવી છે. મુંબઇના પોસ વિસ્તાર કે જયાં મહારાષ્ટ્રના  મુખ્યમંત્રીનું નિવાસસ્થાન છે તેવા સ્થળેથી મુંબઇ પોલીસની મદદ વગર પકડી લેવામાં આવ્યા છે.

પોલીસ સુત્રોના જણાવવા મુજબ મહારાષ્ટ્ર (મુંબઇ) પોલીસની મદદ વગર વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદીપસિંહ જાડેજા ટીમે અનુપમસિંહ ગેહલોતના આદેશથી ધામા નાખ્યા હતાં. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના સલામતી સ્ટાફને  આતંકવાદી ઘટના સંદર્ભે કંઇક અલગ  હિલચાલ જણાતા તેઓએ એક તબક્કે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની અટક કરવા સુધીની તૈયારી બતાવી હતી. જો કે સલામતી સ્ટાફને ખાત્રી થવા સાથે વડોદરાના પોલીસ કમિશ્નર  અનુપમસિંહ ગેહલોતે મામલો સંભાળી લઇ મહારાષ્ટ્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરતા મામલો પુર્ણ થયો હતો.

મુંબઇના પોસ વિસ્તારમાં ન્યુરો સર્જન પોતાના પરીવારના ઉપેન્દ્ર શેઠને ત્યાં છુપાયા હતા. વડોદરા પોલીસે બાતમીદારો અને સર્વેલન્સ આધારે તેનો પતો લગાડી દીધો હતો. ન્યુરો સર્જને યશેષ દલાલે પોલીસને ભુલમાં નાખવા દિલ્હીની પણ ટીકીટ કરાવી હતી. જે કેન્સલ કરાવી ન હોવાથી અને પોતાની સામેના આરોપની ચાર્જશીટની કોપી પત્ની મારફત મંગાવી સીધા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાના છે તેવું વાતાવરણ ખડુ કર્યુ હતું. પોલીસે મલબાર હિલ વિસ્તારમાં તેના સંબંધીઓને ત્યાં પહોંચી તેમના સંબંધીઓના મોબાઇલ જપ્ત કરી લીધા હતા. દરમિયાન દોઢેક કલાક બાદ ડોકટર આવતા તેમને તાકીદે અટક કરી બરોડા તરફ ટીમ રવાના થઇ હતી.

અત્રે યાદ રહે કે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ન્યુરો સર્જન યષેશ દલાલ સામે બળાત્કાર અને ફીઝીયોથેરાપીસ્ટ યુવતીની તસ્વીરો લીક કરવાના રાજય વ્યાપી ચકચારી મામલાની ગંભીરતા સમજી તેઓનો ફોન એફએસએલમાં મોકલી આપ્યો છે. ન્યુરો સર્જન યષેશ દલાલ વિદેશ નાસી ન જાય તે માટે તેની સામે એરપોર્ટોને લુક આઉટ નોટીસ પણ મોકલી હતી. આટલું જ નહિ તપાસ સામે કોઇ જાતની શંકા-કુશંકા ન રહે તે માટે ફીઝીયોથેરાપીસ્ટ યુવતી કે જેને ન્યુરો સર્જન સામે બળાત્કારનો આરોપ મુકયો છે તેઓનું ૧૬૪ મુજબ નિવેદન પણ લેવડાવ્યું હતું. ફીઝીયોથેરાપીસ્ટ યુવતીએ એક નિવેદન દ્વારા વડોદરા પોલીસ કમિશ્નર તથા ટીમની કાર્યવાહીની મ્હોંફાટ પ્રસંશા કરી છે.

(3:44 pm IST)