Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ઝીંગા ઉછેર માટે ૫૦૦૦ હેકટર જમીન અપાશે, બોટ ધારકોને ડીઝલમાં લીટરે રૂ. ૧૫ સબસીડી

પાકિસ્તાની જેલમાં ધકેલાતા ગુજરાતના માછીમારોને રોજ ૧૫૦ના બદલે ૩૦૦ રૂ. નિર્વાહ ભથ્થુ

ગાંધીનગર તા.૧૯: નાણામંત્રીએ ગૃહમાં જણાવેલ કે ૧૮મી પશુધન વસ્તી ગણતરીની સાપેક્ષે ૧૯મી પશુધન વસ્તી ગણતરીમાં ગુજરાત ૧૫.૩૬ %ના વધારા સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. પશુ સંવર્ધનલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓના અમલીકરણથી છેલ્લા દોઢ દાયકામાં રાજ્યમાં માથાદીઠ દૂધ ઉપલબ્ધતા ૨૪૩ ગ્રામ પ્રતિદિન વધની અત્યારે ૫૬૪ ગ્રામ પ્રતિદિન થયેલ છે.

વૈશ્વિક બજારમાં સ્કીમ્ડ મિલ્કત પાવડરના ભાવમાં ઘટાડો થવાને લીધે જિલ્લા ડેરી સંઘો પાસે મોટા પ્રમાણમાં દૂધના પાવડરનો ભરાવો થયેલ હતો, અને સંઘોની મોટી રકમ તેમાં રોકાઇ ગયેલ હતી. દેશના બજારમાં દૂધના પાવડરની કિંમત ખૂબ ઘટી ગયેલ હતી. જો દૂધ સંઘોએ દેશમાં નીચા ભાવે પાવડર વેચ્યો હોત તો તેમને સેંકડો કરોડ રૂપિયાનંુ નુકસાન થાય તેવી સ્થિતિ હતી. તેમાંથી સંઘોને બચાવવા માટે સ્કીમ્ડ મિલ્ક પાવડરની નિકાસ કરવા રૂ. ૩૦૦ કરોડની સહાય કરી અમારી સરકારે પશુપાલકો પ્રત્યેની કલ્યાણકારી  અને સંવેદનશીલ નીતિનો પરિચય આપેલ છે.

રાજ્યની ગીર અને કાંકરેજ ઓલાદ તથા ભેંસોમાં વધુ પ્રમાણમાં વાછરડીઓ અને પાડીઓ જન્મે અને પશુપાલન વધુ નફાકારક બને તે હેતુથી પાટણ ખાતે સેકસ સિમેન લેબોરેટરી રૂ. ૪૭.૫૦ કરોડના ખર્ચે સ્થાપવામાં આવશે. જેના થકી ૮૦ થી ૯૦ ટકા વાછરડીઓ અને પાડીઓનો જન્મથ થશે, જે પશુપાલકોની આવક બમણી કરવામાં સહાયભૂત બનશે.

અબોલ પશુઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ની સેવાઓ શરૂ કરવામાં આવેલ છે.

૧૬૦૦ કિલોમીટર દરિયાકાંઠો ધરાવતું ગુજરાત મત્સ્યોદ્યોગ ક્ષેત્રે આજીવિકાની વિપુલ તકો પૂરી પાડે છે. માછીમારો માટેની યાંત્રિક હોડીઓમાં વપરાતા હાઇ-સ્પીડ ડીઝલ પરની વેટ રાહત, ઊંડા દરિયામાં માછીમારોને પ્રોત્સાહન આપવા માટે ડીપ-સી ફીશીંગ યુનિટ તૈયાર કરવા, ફીશીંગ હાર્બરને અપગ્રેડ કરવા તથા નવા હાર્બર વિકાસાવવાની વિવિધ યોજનાઓ સરકારે અમલમાં મૂકેલ છે.

ગુજરાતમાં ઝીંગાનું ઉત્પાદન નોંધપાત્ર છે અને માછીમારો મોટા પ્રમાણમાં તેની નિકાસ કરી વિદેશી હુંડીયામણ મેળવે છે. રાજ્ય સરકાર તરફથી ઝીંગા માછી ઉછેર માટે અગાઉ ૭૫૦૦ હેકટર જમીન ફાળવેલ છે. હવે ઝીંગા ઉછેર પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે વધારાની ૫૦૦૦ હેકટર જમીન ફાળવવાનો નિર્ણય કરેલ છે. જેનાથી રપ,૦૦૦ ઝીંગા ઉછેરકોને રોજગારી પ્રાપ્ત થશે અને દેશને વધુ વિદેશી હુંડિયામણ મળશે. દરિયામાં માછીમારી દરમિયાન પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા પકડીને પાકિસ્તાની જેલોમાં રાખવામાં આવતા ગુજરતના માછીમારોના પરિવારને અત્યારે રૂ. ૧૫૦ દૈનિક નિર્વાહ ભથ્થુ આપવામાં આવે છે તે બમણું કરીને રૂ. ૩૦૦ કરવાની હું જાહેરાત કરૂ છું.(૧.૩૩)

 

(3:35 pm IST)