Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

શિક્ષણ માટે સરકારે ૧.૧૩ હજાર કરોડ વાપર્યા, પ્રાથમિક કક્ષાએ ડ્રોપ આઉટ નાબુદી તરફ

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ૮૦ લાખ છાત્રોને લાભ

ગાંધીનગર તા.૧૯: અમારી સરકારે શિક્ષણના તમામ પાસાઓના વિકાસ માટે અલગ-અલગ યોજનાઓ જેવી કે, પ્રવેશોત્સવ, ગુણોત્સવ, સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન,ટેબલેટ વિતરણ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ યોજના, વિદ્યાપીઠ વીમા યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ, રાઇટ ટુ એજયુકેશન એકટનો અમલ, ફી નિયમન કાયદો, વિના મુલ્યે પાઠયપુસ્તકો-ગણવેશ, જ્ઞાનકુંજ વગેરે અમલમાં મુકેલ છે. તેમ શ્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

વર્ગખંડોમાં ઘડાઇ રહેલા ગુજરાતના ભાવિને વધુ સમૃદ્ધ, કુશળ અને સક્ષમ બનાવવા માટે સરકારે છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણ પાછળ રૂપિયા ૧ લાખ ૧૩ હજાર કરોડનો ખર્ચ કરેલ છે.

શાળાઓની માળખાકીય સુવિધાઓ પર સરકારે વિશેષ ધ્યાન આપેલ છે. સર્વશિક્ષા અભિયાન દ્વારા છેલ્લા દાયકા દરમિયાન ૭૯,૦૦૦થી વધુ વર્ગખંડ અને ૩૨,૮૦૦ જેટલી શાળાઓમાં પાણીની તથા સેનિટેશન સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે.

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૨૭,૨૫૦ વિદ્યા સહાયકો અને શિક્ષણ સહાયકોની નિમણૂંક કરેલ છે. આ ઉપરાંત, જયાં જરૂરિયાત હોય ત્યાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરીને શિક્ષણની ગુણવતા સુધારવાની સાથે સાથે યુવકોને રોજગારી આપવાની જવાબદારી પણ નિભાવી છે.

શિક્ષકો, સમાજ અને સરકારના સહિયારા પ્રયાસોથી પ્રાથમિક શિક્ષણમાંથી ડ્રોપઆઉટ લગભગ નાબુદ થવાની સ્થિતિએ છે. ધોરણ-૧ થી પ માં વર્ષ ૨૦૧૭-૧૮માં માત્ર ૧.૪૨% ડ્રોપઆઉટ દર નોંધાયેલ છે.

બાળકોના પોષણ અને આરોગ્ય માટે સરકાર સતત સજાગ છે. મધ્યાહન ભોજન યોજના, દૂધ -સંજીવની અને અન્ન ત્રિવેણી જેવી યોજનાઓ સફળતાપૂર્વક અમલ કરવામાં આવી રહેલ છે. આ યોજનાઓ પાછળ સરકારે છેલ્લા બે વર્ષમાં રૂ. ૧૭૮૦ કરોડનો ખર્ચ કરેલ છે. જે અંતર્ગત ૫૪ લાખ ૫૨ હજાર બાળકોને લાભ મળે છે.

નમો - ટેબલેટ યોજના અંતર્ગત, ૬ લાખ વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષમાં રૂ. ૩૮૬ કરોડના ખર્ચે ટેબલેટ આપવામાં આવેલ છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો, ટયુશન ફી, ભોજનાલય, છાત્રાલય જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ યોજના પાછળ રૂ. ૧૦૫૫ કરોડની માતબર રકમનો ખર્ચ કરવામાં આવેલ છે. જેનો લાભ ૮૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને મળેલ છે.ગત બે વર્ષોમાં ત્રણ યુનિવર્સિટી, ૧૦૭ સરકારી કોલેજો અને ૧૧૦ અનુદાનિત કોલેજોમાં ફ્રી વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગુજરાતના યુવાનોમાં લોકપ્રિય બનેલ ખેલ મહાકુંભ-૨૦૧૮માં અંદાજે ૩૫ લાખ ખેલાડીઓએ ભાગ લઇ રમશે ગુજરાત-જીતશે ગુજરાત સૂત્રને સાર્થક કરેલ છે. જેમાં ૧લાખ ૨૪ હજાર વિજેતા ખેલાડીઓને રૂ. ૩૦ કરોડના ઇનામો આપવામાં આવેલ છે. એશિયન ગેમ્સ ૨૦૧૮માં રાજ્યના ચાર ખેલાડીઓએ મડલ પ્રાપ્ત કરેલ છે.(૧.૩૨)

(3:33 pm IST)