Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

રાજકોટમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવાશે

ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં દર વર્ષે સરેરાશ ૧૫ ટકાનો વધારો : એરપોર્ટ વિકસાવવા સરકારે મફત જમીન ફાળવીઃ સાપુતારા અમદાવાદને પ્રવાસન એવોર્ડ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૯ :. અતિથિ દેવો ભવઃની પારંપરિક સ્વાગત ભાવના અને રાજ્ય સરકારની પ્રવાસનને પ્રોત્સાહીત કરવાની નીતિને કારણે ગીર, કચ્છ, અંબાજી, સોમનાથ, સાપુતારા, વિજયનગરની પોળો, તીથલ, પાવાગઢ-ચાંપાનેર, દ્વારકા, લોથલ, ધોળાવીરા, પાટણ વગેરે ઘણાં સ્થળો આજે વૈશ્વિક ફલક પર આગવંુ સ્થાન અંકિત કરી ચૂકયા છે. ગુજરાત પ્રવાસન નીતિ ૨૦૧૫ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલ છે અને સ્થાનિક લોકોને રોજગારીના વિપુલ અવસર પ્રાપ્ત થયા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતની મુલાકાતે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં સરેરાશ દર વર્ષે ૧૫ ટકાનો નોંધપાત્ર વધારો થયેલ છે. તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે બજેટ પ્રવચનમાં જણાવી કેટલીક જાહેરાતો કરી હતી.

મને જણાવતા આનંદ થાય છે કે, સન ૨૦૧૮માં સાપુતારાને શ્રેષ્ઠ સિવીક મેનેજમેન્ટ, અમદાવાદને શ્રેષ્ઠ હેરિટેજ સિટી અને શ્રેષ્ઠ એરપોર્ટ એવા ત્રણ નેશનલ ટુરીઝમ એવોર્ડ મળ્યા છે.

રાજકોટ ખાતે અદ્યતન સુવિધાવાળુ ગ્રીન ફીલ્ડ એરપોર્ટ વિકસાવવાની કામગીરી એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા કરવામાં આવનાર છે. એરપોર્ટ માટે જરૂરીયાત મુજબની જમીન રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે ફાળવી દેવામાં આવેલ છે.

પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા તેમજ યાત્રાધામોના વિકાસ માટે વિવિધ આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૧૧૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે.

ઈકો ટુરીઝમને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્ય સરકારે પોળોના જંગલો, રતન મહાલ, પદમડુંગરી, ગીરાધોધ, ઝરવાણી, જૂનારાજ, કોડાવાડીલા ડેમ, નળ સરોવર વગેરે સ્થળોએ પ્રવાસી સુવિધા વિકસાવવાની કામગીરી હાથ ધરેલ છે.(૨-૨૪)

 

(3:24 pm IST)