Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

એસટીના ૪૩ હજાર કર્મચારીઓની કાલે મધરાતથી ૧દિ'ની હડતાલ

તમામ ૧૦૦ ટકા કર્મચારીઓએ રજા રીપોર્ટ મૂકી દિધાઃ સામે સરકારે તમામના રીપોર્ટ કેન્સલ કરવા આદેશ કર્યોઃ ૭ હજાર બસના પૈડા થંભી જશેઃ એકલા રાજકોટના ૧૨૦૦થી વધુ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૦ હજાર રૂટ રદ્દ થશેઃ આજે પણ રાજ્યવ્યાપી ધરણાઃ દેખાવોઃ સૂત્રોચ્ચાર

રાજકોટ તા.૧૯: એસટી બોર્ડના ૪૩ હજાર કર્મચારીઓ ડ્રાઇવર-કંડકટર-કારકુન- પટ્ટાવાળા તથા વર્કશોપના અન્ય તમામ કર્મચારીઓએ એલાને જંગ છેડયંુ છે, વિવિધ અનેક પડતર પ્રશ્નો સંદર્ભે કાલે મધરાતે ૧૨ વાગ્યાથી ૨૧મીના મધરાતે ૧૨ વાગ્યા સુધી ૪૩ હજાર કર્મચારીઓ ૧દિ'ની હડતાલ ઉપર ઉતરી જશે.

આ હડતાલને કારણે એસટીના હજારો રૂટ થંભી થશે, ૭ હજારથી વધુ પૈડા થંભી જશે, એકલા રાજકોટ ડિવીઝનમાં જ ૧૨૦૦થી વધુ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૦ હજારથી વધુ રૂટ રદ્દ થશે, લોકલ, એકસપ્રેસ-વોલ્વો સહિતની બસો એક દિ' માટે બંધ થઇ જશે.

એસટી કર્મચારીઓની હડતાલથી નિગમને ૧ દિ'માં કરોડોનું નુકસાન જશે, રાજકોટ ડિવીઝનને ૧દિ'માં ૫૦ લાખની ખોટ થશે. હડતાલને કારણે હજારો મુસાફરો રઝળી પડશે, અત્યારથી જ દેકારો બોલી ગયો છે, રાજકોટ ડિવીઝનના ૨૫૦૦થી વધુ કર્મચારીઓ સહિત તમામ કર્મચારીઓએ પોતાના રજા રીપોર્ટ મુકી દીધા છે, તો, સામે સરકારે આ તમામ રજા રીપોર્ટ રદ્દ કરવા આદેશો પણ કર્યા છે.

આજે પણ રાજકોટના શાસ્ત્રીમેદાન સહિત રાજ્યના તમામ બસ ડેપો ઉપર કર્મચારીઓએ ધરણા યોજયા હતા, દેખાવો કર્યા હતા, અને સૂત્રોચ્ચાર કરી બસ સ્ટેશન ગજવી મૂકી મુસાફરોનું ધ્યાન ખેંચ્યું હતું.

(11:29 am IST)