Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સુરતમાં ૬પ લાખનો સમુહ લગ્ન પ્રસંગનો ચાંદલો શહિદ પરિવારને અર્પણઃ શહિદ વીર જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ

કોઇ પણ પરિસ્થિતિ કે સંજોગો હોય સુરતીલાલાઓ સહાય કરવામા પાછા પડતા નથી. ત્યારે ફરી એકવાર સુરતીલાલાઓએ જે કામ કર્યુ છે, તેની સમગ્ર દેશમા દેશભક્તિ છલકાઈ રહી છે. આમ તો દર વર્ષે સૌરાષ્ટ્ર સમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન થતુ હોય છે. જો કે આ વર્ષે યોજાયેલા 262મા સમૂહ લગ્ન અનોખા અને દેશભક્તિ છલકાઈ ઉઠે તેમ હતા. હાલમા જ જમ્મુ કાશ્મીરમા આંતકી હુમલામાં 45 જેટલા જવાનો શહીદ થયા છે. આ શહીદો માટે સમગ્ર દેશમા કેન્ડલ માર્ચ રેલી કાઢી શ્રદ્ધાંજલિ આપવામા આવી રહી છે, તો કેટલાક લોકો શહીદોના પરિવારને સહાય રુપે આગળ આવી રહ્યા છે. ત્યારે સુરતના સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા પણ શહીદો માટે કંઇક કરવાની ભાવના સાથે લગ્નમા આવેલો ચાંદલો શહીદોના પરિવારોને આપવાનું નક્કી કર્યું હતું. રૂપિયા 65 લાખનો ચાંદલો શહીદોના પરિવારને સહાય રુપે આપવામાં આવ્યો છે. સમાજ દ્વારા તમામ શહીદોના પરિવારને પત્ર લખી તેમનો સંપર્ક કરી બેંક એકાઉન્ટ નંબર મંગાવી લેવામા આવ્યા છે. તમામના ખાતામા આરટીજીએસ મારફતે સહાયની રકમ ટ્રાન્સફર કરવામા આવશે.

સમુહ લગ્ન યોજાય તે પહેલા જ બંને પક્ષો દ્વારા શહીદોને અનોખી રીતે શ્રધ્ધાજંલિ આપવામા આવી હતી. બંને પક્ષો દ્વારા પહેલા બે મિનિટ મૌન ધારણ કરવામા આવ્યું હતું અને બાદમા રાષ્ટ્રગાન કરી શહીદોને સાચા અર્થમા શ્રધ્ધાંજલિ અર્પી હતી. વરવધુ દ્વારા પહેલાથી જ નક્કી કરી દેવામા આવ્યુ હતુ કે દેશ માટે પોતાનુ બલિદાન આપનાર એવા શહીદોને પોતે કોઇના કોઇ રીતે મદદરુપ બની પોતાની ફરજ પુરી કરશે.

સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા શહીદોના પરિવારજનો માટે જે ભગીરથ કાર્ય કર્યુ છે. આજ રીતે દેશના અન્ય સમાજના લોકો પણ આગળ આવી આજ રીતે મદદરુપ બને તેવી ઇચ્છા વ્યકત કરવામા આવી છે.

(5:22 pm IST)