Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

તાપી નદીમાં પાંડેસરાના સાત યુવાનો પૈકી બેનો પાણીમાં ગરકાવ

બારડોલી: તાલુકાના વાઘેચા ગામે તાપી નદીમાં ન્હાવા માટે ઉતરેલા સુરત પાંડેસરાના સાત યુવાનમાંથી બે યુવાન ડૂબી જતાં બારડોલી ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરી છે. અન્ય પાંચ બચી ગયા છે.

સુરતના પાંડેસરા ખાતે ગુજરાત હાઉસીંગ કોલોનીમાં રહેતા મહારાષ્ટ્રીયન સમાજના ૯ યુવાનો  રવિવારે રીક્ષા (નં. જીજે-૫-એક્સએક્સ- ૪૦૭૮)ના ચાલક વિજય શ્યામરાવ બાપોરોની સાથે વાઘેચા ગામે તાપી નદીના પાણીમાં ન્હાવા માટે આવેલા  હતા. યુવાનો ચાર વાગ્યાના સુમારે વાઘેચા તાપી નદીના પટમાં પહોંચ્યા હતા. સાત યુવાનો તાપી નદીના પાણીમાં ન્હાવા માટે  ઉતર્યા હતા.

જેમાં સંદીપ સુરેશભાઇ પીંપરે (ઉ.વ. ૨૭) અને દિપક ઉર્ફે દીપુ કાળુભાઇ બંજારા (ઉ.વ. ૧૮, બંને રહે. ગુજરાત હાઉસીંગ કોલોની, પાંડેસરા, સુરત) ઉંડા પાણીમાં તણાઇને ડૂબી ગયા હતા. બંનેની સાથે ન્હાવા માટે નદીના પાણીમાં ઉતરેલા અન્ય યુવાનોએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી ગયા હતા.

રીક્ષામાં આવેલા બીજા યુવાન ન્હાવા માટે નદીના પાણીમાં ઉતરવાની તૈયારી કરતા હતા ત્યારે જ બંને યુવાન ઉંડા પાણીમાં તણાઇને ડૂબી ગયા હતા.

સ્થળ પર પહોંચેલી બારડોલી ફાયરબ્રિગેડની ટીમ તથા સ્થાનિક તરવૈયાઓએ સંદીપ પીંપરે અને દિપક બણજારાની નદીના પાણીમાં શોધખોળ શરૂ કરી છે. બારડોલી પોલીસે સ્થળ પર જઇ રીક્ષાચાલક વિજય સહિત અન્ય યુવાનોની પૂછતાછ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

(5:25 pm IST)