Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ખેડા તાલુકાના સાંખેજમાં વીજ કનેક્શન કાપવા ગયેલ કર્મચારી પર જીવલેણ હુમલો

ખેડા:તાલુકાના સાંખેજ ગામે રહેતા વીજ ગ્રાહકે જીઈબીના કર્મચારીને કનેક્શન કાપવા આવ્યો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપ્યાના બનાવ અંગે ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકાના સાંખેજ ભાઠા સીમમાં રહેતા શીવાભાઈ મોહનભાઈ બારેૈયા વીજ કંપનીમાં કામ કરે છે. જેથી વીજ કંપનીએ જે વીજ ગ્રાહકે લાઈટ બિલ ભર્યું ન હોય તેમના વીજ કનેક્શન કાપી નાખવા હુકમ કર્યો હતો. જેથી શીવાભાઈ બારૈયા ગત તા. ૧૭-૨-૨૦૧૮ના રોજ સાંખેજમાં રહેતા મેલાભાઈ બુધાભાઈ બારૈયાને લાઈટબિલ ભર્યું ન હોઈ વીજ કનેક્શન કાપવાની જાણ કરવા ગયા હતા.
તેઓ જાણ કરી ડીપીએ લાઈન બંધ કરવા જતા હતા ત્યારે મહેન્દ્રભાઈ બુધાભાઈ તથા ચંપાબેન મહેન્દ્રભાઈ બારૈયાએ પાછળથી જઈ શીવાભાઈ બારૈયાને માથામાં કાન ઉપર મારી ઈજા કરી હતી. જ્યારે ચંપાબેન બારૈયાએ શીવાભાઈને જમણા હાથ ઉપર બે બચકા ભરી ગાળો બોલવા લાગ્યા હતાં. આ ઝઘડામાં મહેન્દ્રભાઈ બારૈયાએ વીજ કર્મચારીને ગાળો બોલી છાતીમાં ગડદાપાટુ માર માર્યો હતો તેમજ ફરીથી કનેક્શન કાપવા આવીશ તો જીવતો જવા દઈશું નહીં તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે શીવાભાઈ મોહનભાઈ બારૈયાની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે મેલાભાઈ બુધાભઈ, મહેન્દ્રભાઈ બુધાભાઈ તથા ચંપાબેન મહેન્દ્રભાઈ બારૈયા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:22 pm IST)