Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

યુવતીઓના મોફે કરેલા નગ્ન ફોટા સાથે એક શખ્સ ઝડપાયો

સુરતઃ સુરતમાંથી એક યુવાનને પોલીસે યુવતીઓના મોફે કરેલા નગ્ન ફોટા સાથે ઝડપીને તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયાનો આડેધડ ઉપયોગ કરતી યુવતીઓ અને મહિલાઓ માટે આંખ ખોલનારો અને ચોંકવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર છોકરીના નામનો ફેક આઇડી બનાવી બ્લેકમેલ કરતો સુરતના એક રોમિયોને પોલીસના સાયબર સેલ વિભાગે પકડી પાડ્યો છે. આ યુવાન ઇન્સ્ટાગ્રામ પર છોકરીઓના ફોટા મેળવીને પછી મોર્ફ કરેલા નગ્ન ફોટા બતાવીને પછી યુવતીઓ અને મહિલાઓ પાસે ઓરીજનલ નગ્ન ફોટાની અને પેટીએમ પર રૂપિયાની તથા સોશિયલ સાઇટ પર બદનામ કરવાની ધમકી આપતો હતો. સુરતમાં એક યુવતીની ફરિયાદને આધારે આખરે ક્રાઇમ બ્રાન્ચની પોલીસે આ રોમિયોને પકડી પાડ્યો હતો.

એક મહિના પહેલા ડુમસ પોલીસમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે એક યુવક ઘણા સમયથી તેને બ્લેકમેલ કરી રહ્યો છે. ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાન્ચની સાયબરસેલની ટીમ કામે લાગી હતી આખરે યુવતીઓને પરેશાન કરતા પ્રકાશ ભુરારામ ચૌધરી પકડાયો હતો. પોલીસે તેનો મોબાઇલ જપ્ત કર્યો અને તપાસ કરી તો અસંખ્ય મહિલાઓની નગ્ન તસવીરો મળી આવી હતી. પોલીસે કહ્યું હતું કે આરોપી પ્રકાશ ઇન્સ્ટાગ્રામ પર એક ફેક આઇડી બનાવી હતી અને ફેક આઇડીમાં યુવતીનો ફોટો રાખ્યો હતો. પ્રકાશ છોકરીઓના ફોટાવાળી પ્રોફાઇલ સર્ચ કરે અને ફોલો કરતો હતો. યુવતીઓ એક ફોલોઅર વધી રહ્યો છે એના ચક્કરમાં રિકવેસ્ટ સ્વીકારે. જેને આધારે પ્રકાશ યુવતીઓના ફોટા મેળવી શકતો હતો. બીજું કે પ્રકાશ છોકરી બનીને યુવતીઓ સાથે ચેટિંગ શરૂ કરતો અને વિશ્વાસ કેળવીને મોબાઇલ નંબર પણ મેળવી લેતો હતો. કેટલીક યુવતીઓને તે ઓળખ માટે છોકરીના અવાજમાં વોઇસ કોલ પણ મોકલતો.

ઇન્સ્ટાગ્રામ પરથી છોકરીઓના ફોટા ડાઉનલોડ કરીને ફોટામાં દેખાઇ તેવા શરીરવાળા નગ્ન ફોટા નેટ પરથી શોધીને ફોટો કોલાજના માધ્યમથી એડીટ કરીને યુવતીઓનો ઓરીજનલ ચેહરાવાળો ફોટો બનાવતો. તે પછી યુવતીઓને નગ્ન ફોટા મોકલીને ધમકી આપતો કે મને ઓરીજનલ નગ્ન ફોટા મોકલ અથવા સોશિયલ મીડિયા પર આ ફોટા વાયરલ કરી દઇશ. પ્રકાશ કેટલીક યુવતીઓને બ્લેકમેલ કરીને રૂપિયાની પણ માગણી કરતો હતો. પોલીસે દરોડા પાડ્યા ત્યારે પ્રકાશ ઘરે જ હતો અને મોબાઇલમાં નગ્ન ફોટા જોઇને વિકૃત આનંદ માણી રહ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીએ કહ્યું હતું કે યુવતીઓ અને મહિલાઓએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે ઘણી બાબતે સાવચેતી રાખવાની જરૂર છે. લાઇક અને ફોલાઅર્સ વધારવાના ચક્કરમાં જાણીતી વ્યક્તિ સિવાય રિકવેસ્ટ સ્વીકારવાનું બંધ કરવું જોઇએ.

(11:00 pm IST)