Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ગાંધીનગરમાં સે-23માં દહેજ પેટે અમદાવાની પરિણીતા પાસે દસ લાખની માંગણી કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર:શહેરના સે-ર૩માં રહેતી અને અમદાવાદના ચાંદલોડીયા ખાતે પરણાવેલી યુવતિને દસ લાખ રૃપિયાના દહેજ માટે પતિ તેમજ સાસુ સસરા દ્વારા ત્રાસ આપી ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જેના પગલે પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરીયાઓ સામે સે-ર૧ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.

શહેરના સે-ર૩માં વિરાટનગરમાં રહેતી અંકિતા પટેલ નામની યુવતિ પણ સાસરીયાઓના ત્રાસનો ભોગ બની છે. ગત તા.૩૧ જાન્યુઆરી ર૦૧૯ના રોજ તેણીના લગ્ન અમદાવાદ ચાંદલોડીયા ખાતે સોપાન શરણ બી-૧૦૩માં રહેતા જય કનુભાઈ પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ પતિ સાથે રહેતી અંકિતાને પરિવારમાં સસરા કનુભાઈસાસુ સરોજબેન સહિતના લોકો રહેતાં હતા. લગ્ન બાદ દંપતિ ફરવા માટે ગયું ત્યારે પણ પતિ જય દ્વારા તેણીને બોલાચાલી કરી શંકા રાખીને લાફો મારવામાં આવ્યો હતો. ત્યારબાદ નણંદ હીરલબેન અને નણદોઈ મીહીર પટેલ તથા સસરા કનુભાઈ દ્વારા પણ ઘરકામ બાબતે બોલાચાલી કરીને મેણાટોણાં મારવામાં આવતાં હતા. પતિ જય દ્વારા ફાયબર અને નેટવર્ક કેબલનો બીજનેશ શરૃ કરવા માટે અંકિતાને પિયરમાંથી દસ લાખ રૃપિયા લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. જો કે તેણીના માતાપિતા આટલી મોટી રકમ આપવા માટે સક્ષમ ના હોવાનું કહેતાં તેની સાથે મારઝુડ કરવામાં આવતી હતી. સાસુ સરોજબેન ઓસ્ટ્રેલીયાથી પરત ફર્યા ત્યારે તેમણે પણ પુત્રનો પક્ષ લઈને અંકિતાને મેણાટોણા મારી પરિણીતાને એસિડ પીવડાવી મારી નાંખવાની ધમકી આપી હતી. ગત માર્ચ મહિનામાં અંકિતા બીમાર પડતાં પતિ તેને વૈષ્ણોદેવી મુકીને જતો રહયો હતો. ત્યારે ગત તા.૧૦ જાન્યુઆરીએ અંકિતા સાસરીમાં રહેવા માટે જતાં સાસુ દ્વારા ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી અને પતિએ પરિવાર ઉપર ખોટો પોલીસ કેસ કરવાની પણ ધમકી આપી હતી. જેના પગલે કંટાળીને અંકિતાએ પતિસાસુ સસરા અને નણંદ-નણદોઈ સામે સે-ર૧ પોલીસમાં શારીરિક માનસીક ત્રાસ અને દહેજ સંદર્ભે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

(5:27 pm IST)