Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સુરતના પાંડેસરા-વાલક રોડ નજીક શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષીય બાળકીને બજારમાં ફરવા લઇ જવાના બહાને પિતાના મિત્રએ અપહરણ કરતા પોલીસ તંત્ર દોડતું થયું

સુરત: શહેરના પાંડેસરા-વાલક રોડ પર રહેતા શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની બાળાને કપડા અપાવવાના બ્હાને પિતાનો મિત્ર અપહરણ કરી જતા પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસે અલગ-અલગ ચાર ટીમ બનાવવા ઉપરાંત દિલ્લી ગેટથી લઇ મોતી ટોકીઝ-બેગમપુરા વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરવાનું શરૂ કર્યુ છે.
પાંડેસરા-વાલક રોડ પર રહેતા પરપ્રાંતિય પરિવારનો ઇમ્તિયાઝ તા. 13 ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે ગયો હતો. જયાં અગાઉ તેની સાથે કેટરીંગમાં કામ કરનાર સંજય નામનો મિત્ર મળ્યો હતો અને તેને પોતાના ઘરે જમવા માટે લઇ ગયો હતો. બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઇમ્તિયાઝ, તેની પત્ની નિશાન અને બે સંતાન અને સંજય સાથે તેઓ બેગમપુરા મોતી ટોકીઝ ખાતે કપડા ખરીદવા ગયા હતા. સાંજે છ વાગ્યે પરત ઘરે ગયા હતા અને ઇમ્તિયાઝની પત્ની જમવાનું બનાવી રહી હતી ત્યારે ઇમ્તિયાઝની પુત્રી નિરાલી (ઉ.વ. 3 નામ બદલ્યું છે) અને પુત્ર ચિરાગ (ઉ.વ. 5 નામ બદલ્યું છે) ને લઇ સંજય બજારમાં ફેરવવા લઇ ગયો હતો. પરંતુ ગણતરીની મિનીટોમાં જ ચિરાગ પરત આવ્યો હતો અને અંકલ નિરાલીને સાથે લઇ ગયા છે એમ કહ્યું હતું. જેથી સંજય પરત આવશે તેની રાહ ઇમ્તિયાઝ જોઇ રહ્યો હતો.

    પરંતુ સંજય પરત નહીં આવતા પુત્રીની સ્થાનિક વિસ્તાર ઉપરાંત ગોવાલક રોડ પર ભરાતા બજારમાં શોધખોળ કરી હતી. પરંતુ નિરાલીનો ક્યાંય પત્તો નહીં મળતા છેવટે ગત રોજ આ અંગે પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે છેલ્લા પાંચ દિવસથી ગુમ 3 વર્ષની માસુમ બાળા નિરાલીની શોધખોળ માટે અલગ-અલગ ચાર ટીમ બનાવી સ્થાનિક વિસ્તાર ઉપરાંત તેઓ જયાં કપડાની ખરીદી કરવા ગયા હતા તે બેગમપુરા-મોતી ટોકીઝ વિસ્તાર અને દિલ્લી ગેટ વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરવાનું શરૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ઇમ્તિયાઝ પાસે સંજયનો મોબાઇલ નંબર અને પુત્રીનો ફોટો પણ નહીં હોવાથી પોલીસ મુંઝવણમાં મુકાઇ છે.

(5:27 pm IST)