News of Tuesday, 19th January 2021
આણંદ: તાલુકાના ગાના ગામની પરિણીતાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ દહેજની માંગણી તથા શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાઇ છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે, પતિ દહેજની માંગ કરે છે અને છુટાછેડા માંગે છે. જેઠાણી મારા પતિને મારી સાથે શારીરિક સંબંધો નહી રાખવા અને બીજો દિકરો પેદા નહી રાખવા દબાણ કરશે. મારા પતિ જો મારી સાથે સંબંધ રાખશે તો તેઓ (જેઠાણી) દવા પી લેશે તેવી ધમકી આપી રહ્યા છે. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે પતિ, સાસુ-સસરા અને જેઠ-જેઠાણી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે, ગાના ગામમાં રહેતી પરિણીતા ઘરકામ કરે છે. 10 ફેબ્રુઆરી 2018ના દિવસે તેમના લગ્ન હેમગીરીમાં રહેતા શૈલેષ ઠક્કર સાથે થયા હતા. શરૂઆતમાં સંસાર સારો ચાલતો હતો અને એક પુત્રનો જનમ થયો હતો. ત્યાર બાદ પતિ શૈલેષ તથા શાસરિયાઓ તરફતી નાની નાની બાબતે મહેણા ટોણા મારવામાં આવતા હતા. તુ તારા પિતાના ઘરેથી શું લાવીકહી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. છુટાછેડા અને બીજા લગ્નની ધમકી આપતા હતા.
પતિ શૈલેષ છુટાછેડા લઇને બીજા લગ્ન કરવાની ધમકી આપતા હતા. 16 જાન્યુઆરી 2020 ના રોજ મારઝુડ કરીને ઘરમાથી કાઢી મુકી હતી. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે, મારા દીકરાને સસરા દુકાને લઇ ગયા હતા. જ્યાં તે ટેબલથી પડી ગયો હતો. ત્યારે પણ તેને દવાખાને લઇ જવાયા નહોતા. મારા જેઠાણી મારા પતિને સતત ચડાવતા હતા. જેઠાણી મારા પતિને કહેતા રહેતા કે તમારે પત્ની સાથે શારીરિક સંબંધ રાખવો નહી અને બીજો દીકરો પેદા કરવો નહી. જો તમે તેની સાથે શારીરિક સંબંધો રાખશો તો હું ઝેર પી લઇશ તેવી ધમકી આપતા હતા.
અસહ્ય ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસ દ્વારા ત્વરીત કાર્યવાહી કરાતા પતિ શૈલેષ ઠક્કર, જેઠ અંકિત ઠક્કર, જેઠાણી કાજલ ઠક્કર, સસરા દિનેશ ઠક્કર તથા સાસુ જયશ્રી ઠક્કર વિરુદ્ધ 498 (એ), 506 (2), 114 તથા દહેજ પ્રતિબંધ અધિનિયમ 3,4 અનુસાર ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.