Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

અમદાવાદમાં હિના ટ્રાવેલ્‍સની 3 લકઝરી બસના કાચ ફોડીને અસામાજીક તત્ત્વોએ નુકશાન કર્યું: ટ્રાવેલ્‍સ સંચાલક દ્વારા રાજુ ભદોરીયા નામના શખ્‍સ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના રામોલમાં વસ્ત્રાલ ખાતે ગજેન્દ્ર સોસાયટી સામે રોડ પર બગીચા પાસે પાર્ક કરેલી હિના ટ્રાવેલ્સની ત્રણ લકઝરી બસના કાચ તોડી ગુંડાઓએ નુકશાન કર્યું હતું. બનાવ અંગે ટ્રાવેલ્સ સંચાલકે રાજુ ભદોરીયા નસમના શખ્સ વિરુદ્ધ વધુ એક ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

15 દિવસ અગાઉ ટ્રાવેલ્સ સંચાલકને તારી લકઝરી બસ રોડ પર ઉભી રાખવી હોય તો મને લાખ રૂપિયા હપ્તો આપવો પડશે નહીં, તો સળગાવી દઈશ તેવી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ સંચાલકે અગાઉ ફરિયાદ નોંધાવી હતી.

વસ્ત્રાલની સુમિતનગર સોસાયટીમાં રહેતા વિરલ રજનીકાંત રાવલ (ઉં,32) CMT ચાર રસ્તા પાસે આસ્થા કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવી હિના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે વેપાર કરે છે. વિરલભાઈની લકઝરી બસો અલગ-અલગ કંપનીમાં વર્ધિમાં ચાલે છે.

ગત તા 3-1-2021ના રોજ રાજુ ભદોરીયા નામના શખ્સે ફોન કરી વિરલભાઈને તારે લકઝરી બસો રોડ પર ઉભી રાખવી હોય તો રૂ. 1 લાખ આપવા પડશે. જે રકમ આપવાની વિરલભાઈએ ના પાડતા આરોપીએ તેમની બે લકઝરી બસોના કાચ તોડી નાંખ્યા હતા. સાથે ધમકી આપી કે, તારી બસો મારે રોડ ઉપર જોઈએ નહીં હું સળગાવી દઈશ. અંગે વિરલભાઈએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સોમવારે સાંજે લકઝરી બસનું વાયરિંગ કરાવવાનું હોય વિનાયક સોસાયટીના નાકે નંદુ ઈલેક્ટ્રિકલ્સ નામની દુકાનમાં ડ્રાઇવર રાજેન્દ્રભાઇને વિરલભાઈએ મોકલ્યા હતા. તેઓ ત્યાં હાજર હતા, દરમિયાન 6 વાગ્યે રાજુ ભદોરીયા હાથમાં લોખંડનું ધારીયું લઈને આવ્યો હતો. દુકાનવાળા બંટી રાજપૂતને રાજુ ભદોરીયાએ ક્યાં ગયો તારો શેઠ? મેં રૂપિયા માંગ્યા તો આપતો નથી અને નાટકો કરે છે. મારી વિરુદ્ધ ફરિયાદો આપે છે.

એક વાર બે બસના કાચ તોડ્યા હવે મારી સામે આવ્યો તો એને જાનથી મારી નાંખવાનો છું. તેમ કહી બિભસ્ત અપશબ્દો બોલી 3 લકઝરી બસના વિંડ શીલ તોડી રૂ.60 હજારનું નુક્સાન કર્યું હતું. બનાવ અંગે વિરલભાઈએ રાજુ ભદોરીયા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવી હતી.

(4:55 pm IST)