Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સુરતમાં અકસ્‍માત સર્જીને 15નો ભોગ લેનાર ડમ્‍પરના ડ્રાઇવર અને ક્‍લીનર દારૂ કે ગાંજાના નશામાં હોવાની પોલીસને આશંકાઃ બંને ઇજાગ્રસ્‍ત હાલતમાં સારવારમાં

સુરત: શહેરના કીમ-માંડવી રોડ પર ડમ્પરની અડફેટે 15 લોકોના મોત થયા છે. ટ્રેક્ટર સાથે ધડાકાભેર ટક્કર બાદ ડમ્પર નજીકની ફૂટપાથ પર સૂઈ રહેલા મજૂરો પર ફરી વળ્યો હતો. અકસ્માત સર્જનારા ડમ્પરના ચાલક અને કંડક્ટરને પોલીસે ઝડપી પાડ્યા છે અને તેઓ નશામાં હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.

અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અહીં શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અથડાયા બાદ ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જે બાદ ડમ્પરે નજીકની ફૂટપાથ પર સૂઈ રહેલા શ્રમજીવીઓને કચડી માર્યા હતા. અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે.

અકસ્માત બાદ ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે ડમ્પરના ડ્રાઈવર અજનાલાલ કેવટ અને ક્લિનર સુદામા યાદવને ઝડપી પાડ્યા છે. અકસ્માતમાં બન્નેને ઈજા પહોંચી છે અને અકસ્માત સર્જ્યા બાદ તેઓ કંઈ પણ બોલવાની હાલતમાં નહતા. આથી પોલીસને આશંકા છે કે, બન્ને જણા દારુ કે ગાંજાના નશામાં ધૂત હોવા જોઈએ. હાલ પોલીસ તેમના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

જણાવી દઈએ કે, ગમખ્વાર અકસ્માત બાદ વડાપ્રધાન મોદી તરફથી આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત મૃતકોના પરિવારના સભ્યોને 2-2 લાખ રૂપિયાનું વળતર, જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.

(4:55 pm IST)