Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

આગામી સપ્તાહથી વેપારી એકમો માટે અમલી બનનારો નવો ગુમાસ્તા ધારો

ગુમાસ્તા ધારા એકટમાં આમૂલ ફેરફાર કરીને પ્રમાણપત્ર પાંચ વર્ષે રિન્યુ કરવાને બદલે આજીવન કરવાનો ગત ડિસેમ્બર માસમાં નિર્ણય કરવામાં આવ્યો હતો : પ્રમાણપત્રની અલગ અલગ એકમોની રૂ. ૩૦ થી ૧૦૦ સુધીની ફી પહેલા હતી તે વધારીને રૂ. ૫૦૦ થી ૫,૦૦૦ કરવામાં આવતા મ્યુનિ.ની આવકમાં નોંધપાત્ર વધારો થશે

અમદાવાદ,તા. ૧૯: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરકારના શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ કહો કે, ગુમાસ્તા ધારા એકટ હેઠળ દુકાનો અને વેપારી પેઢીઓ તથા સિનેમા થિયેટરો પાસેથી ફી વસૂલ કરી આપવામાં આવતા નોંધણી પ્રમાણપત્રના કાયદામાં કરવામાં આવેલા નવા નિયમો અને ફી વધારાનો આગામી સપ્તાહથી ઓનલાઇન અમલ કરવાનો નિર્ણય કર્યો છે પરિણામે જે જે વેપારી એકમોને ગુમાસ્તા ધારા હેઠળના નોંધણી પ્રમાણપત્રને દરપાંચ વર્ષે રિન્યૂ કરાવવાની સમસ્યા સર્જાતી હતી તેમાંથી મુકિત મળશે અને આ નવા ધારા હેઠળનું નોંધણી પ્રમાણપત્ર આજીવન બની રહેશે. પહેલાં આ ગુમાસ્તા ધારા પ્રમાણપત્ર પહેલાં દર વર્ષે રિન્યૂ કરાવવું પડતું હતું તેની મુદત દર ત્રણ વર્ષની અને ત્યારબાદ પાંચ વર્ષની કરવામાં આવી હતી પરંતુ ગુમાસ્તા વિભાગના અધિકારીઓ અને ઇન્સ્પેકટર સબ ઇન્સ્પેકટરોની સખત કનડગત અને ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો બાદ રાજય સરકારે આ ગુમાસ્તા ધારા એકટમાં આમૂલ ફેરફાર કરીને પ્રમાણપત્ર પાંચ વર્ષે રિન્યૂ કરવાને બદલે આજીવન કરવાનો ગત ડિસેમ્બર માસમાં નિર્ણય કરવામાં આવ્યો હતો જેની રાજય સરકાર દ્વારા સત્ત્।ાવાર કોપી મ્યુનિ.ને પાઠવતા મ્યુનિ. તંત્રે પૂરો અભ્યાસ કરી જરૂરી માળખું ગોઠવીને ચાલુ જાન્યુઆરી માસના આગામી સપ્તાહથી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. શહેરમાં ગુમાસ્તા ધારો જેમને લાગુ પડે છે તેવા એકમોની સંખ્યા ૨ લાખ ૨૫ હજાર જેટલી થવા જાય છે પરંતુ નવા એકટનો અમલ થતા આ સંખ્યામાં ઘટાડો થશે પરંતુ પ્રમાણપત્રની અલગ અલગ એકમોની રૂ. ૩૦થી ૧૦૦ સુધીની ફી પહેલાં હતી તે વધારીને રૂ. ૫૦૦થી ૫,૦૦૦ કરવામાં આવતા મ્યુનિ.ની આવકમાં નોંધપાત્ર વધારો થશે.

(10:36 am IST)