Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

હડતાળ પર ઉતરેલા કર્મીને ફરજ પર હાજર થવા આદેશ

આરોગ્ય કમિશનરે આદેશ કર્યો : કર્મચારી ફરજ પર હાજર થશે નહીં તો એપીડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરાશે

ગાંધીનગર,તા.૧૮ : રાજ્યમાં કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવવા તથા તેને નિયંત્રણમાં લેવા માટે યોગ્ય તકેદારી રાખવામાં ન આવે તો કોવિડ-૧૯ના પોઝિટિવ કેસોની સંખ્યા વધી શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તે ઉપરાંત હાલ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા કોવિડ-૧૯ રસીકરણના મહાઅભિયાન અંતર્ગત ગુજરાતમાં તબકકાવાર હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન કાર્યકર અને વયોવૃધ્ધ વ્યકિતઓને વેકસીન આપવાની કામગીરી ચાલી રહી છે. આમ આ તમામ આરોગ્યલક્ષી કામગીરી નિયમિત સતત સુચારૂ રીતે થાય તે માટે આરોગ્યના તમામ ડોકટર્સ, કર્મચારીઓ પોતાની ફરજ બજાવે તે અત્યંત જરૂરી છે. જેને ધ્યાને લઈ આ સ્થિતિ વચ્ચે અચોકકસ મુદ્દતની હડતાલ પર ઉતરેલા આરોગ્યના પંચાયત સેવા હેઠળના કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ આદેશ કર્યાં છે.

જયપ્રકાશ શિવહરેના જણાવ્યા મુજબ વર્તમાન પરિસ્થિતિમાં આરોગ્યના પંચાયત સેવા હેઠળના કર્મચારીઓ અચોકકસ મુદ્દતની હડતાલ પર ઉતરે તો, દર્દીઓને સારવાર આપવામાં તેમજ રસીકરણમાં મોટી મુશ્કેલીઓ ઉભી થઇ શકે તેમ છે. આથી સામાન્ય પ્રજાને તેમજ દર્દીઓને કોઇ હાલાકી ન ભોગવવી પડે તે માટે જે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, તેઓની સેવાઓ લેવી જરૂરી હોઈ એપીડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ હેઠળ મળેલ સત્તાની રૂએ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓને તાત્કાલીક ફરજ પર હાજર થવા જરૂરી હુકમ કરવામાં આવ્યા છે. જો, હજુ કર્મચારીઓ ફરજ પર હાજર થશે નહીં તો કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ. શિવહરેએ ઉમેર્યું કે, હાલની કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં અત્યાર સુધીમાં રાજયમાં કોવિડ-૧૯ના ૨.૫ લાખ કરતા વધુ પોઝિટિવ કેસ અને ૪૭૦૦થી વધુ મૃત્યુ નોંધાયા છે.

કોવિડ-૧૯ના રોગચાળાને નાથવા માટે આરોગ્ય વિભાગ સતત પ્રયત્નશીલ રહ્યો છે. કોવિડ-૧૯ રોગના અટકાવ અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત સર્વેલન્સ, કોન્ટેકટ ટ્રેસીંગ, રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ, ધન્વંતરી રથ સહિતની વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોવિડ હોસ્પિટલ, કોવિડ હેલ્થ સેન્ટર અને કોવિડ કેર સેન્ટરના માધ્યમથી દર્દીઓને સેવા-સારવાર આપવામાં આવી રહી છે. આ અથાગ પ્રયત્નોને કારણે કોવિડ-૧૯ના કેસ અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરી શકાયો છે.

(9:01 pm IST)
  • બાંગ્લાદેશને વેક્સિનના ૨૦ લાખ ડોઝ ભારત આપશે : ૨૦ જાન્યુઆરીએ ભારત કોવિશિલ્ડ કોરોના વેકસીનના ૨૦ લાખ ડોઝ બાંગ્લાદેશને ભેટ સ્વરૂપે આપશે તેવી જાહેરાત થઇ છે access_time 12:26 am IST

  • પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મિનિસ્ટર દેબાશ્રી ચૌધરીના રોડ શો દરમિયાન ભાજપ કાર્યકરો ઉપર પથ્થરમારો : ભાગદોડ અને તનાવ વચ્ચે ચૂંટણી વાતાવરણ ગરમાયુ : હુમલાખોરો ના હાથમાં ટીએમસીના ધ્વજ હોવાનો આક્ષેપ access_time 6:49 pm IST

  • દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૦૬૪ દર્દી આવ્યાઃ ૧૩૭ના મોતઃ કુલ કેસ થયા ૧ કરોડ ઉપરઃ ૧,૫૨,૫૫૬ મોત : નવી દિલ્હીઃ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૦૦૬૪ નવા દર્દી સામે આવ્યા છે અને એ દરમ્યાન ૧૩૭ના મોત થયા છેઃ દેશમાં કુલ કેસ ૧,૦૫,૮૧,૮૩૭ થયા છે, જેમાં ૨૦૦૫૨૮ એકટીવ કેસ છે જ્યારે ૧ કરોડ ૦૨ લાખથી વધુ રીકવર થયા છેઃ કુલ મૃત્યુ ૧૫૨૫૫૬ના થયા છેઃ ગઈકાલે ૭,૦૯,૭૯૧ ટેસ્ટ કરાયા હતાઃ આ સાથે કુલ ટેસ્ટીંગ ૧૮,૭૮,૦૨,૮૨૭ થયા છે access_time 11:35 am IST