Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ભાજપના નેતા કિશનસિંહ સોલંકી વોચમેનને માર મારતાં નવો વિવાદ છેડાયો

ભાજપના વધુ એક નેતાની દાદાગીરી સામે આવી : તું યુપીનો ભિખારી છે, ગુજરાતમાં કોઈને ગાડી હટાવવાનું કહેવાનું નહીં કહીને વોચમેનને માર્યો : પોલીસ દ્વારા તપાસ

અમદાવાદ, તા.૧૮ : ગુજરાતમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે અમદાવાદ શહેર સહિત રાજયના જુદા જુદા સ્થળોએ ભાજપના નેતાઓ અને આગેવાનોની દાદાગીરી અને મારામારીના કિસ્સા છાશવારે પ્રકાશમાં આવતા રહે છે. થોડા મહિના પહેલાં નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા એક મહિલાને જાહેરમાં પેટમાં લાતો મારવાનો વિવાદ બહુ ગાજયો હતો ત્યારે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ભાજપના એક વધુ નેતા કિશનસિંહ સોલંકીએ સ્થાનિક વોચમેનને ઢોર માર મારતાં વિવાદ વકર્યો છે. સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પંચમ સોસાયટીમાં તું ગાડી કોને હટાવવાનું કહે છે. હું ભાજપનો અભિવક્તા છું કહી ભાજપના નેતા કિશનસિંહ સોલંકી અને અન્ય એક શખ્સે વોચમેનને માર માર્યો હતો. તું યુ.પીનો ભિખારી છે અને બે પૈસાની નોકરી છે. ગુજરાતમાં કોઈ ગાડી ચાલકને ગાડી હટાવવાનું કહેવાનું નહીં કહી માર માર્યો હતો.

                 ઉપરાંત સોસાયટીના ચેરમેનને પણ હું ગુજરાત ભાજપનો અભિવક્તા છું કહી ધમકી આપી હતી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અંગેની વિગત એવી છે કે, મૂળ ઉત્તરપ્રદેશના સવાજપૂરના રહેવાસી અને વસ્ત્રાપુરની પંચમ સોસાયટીમાં રહેતા રાજાબક્ષ ચૌહાણ વોચમેન તરીકે નોકરી કરે છે. સોસાયટીના ગેટ પાસે ગઇકાલે શુક્રવારે સાંજે એક શખ્સે પોતાની ગાડી લોકોને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરી હતી. જેથી રાજાબક્ષે ગાડીને સાઈડમાં પાર્ક કરવાનું કહેતા ભાજપના નેતા કિશનસિંહ સોલંકીએ તું ગાડી કોને હટાવવાનું કહે છે, હું ભાજપનો અભિવકતા છું. તેમ કહી તેમણે અને તેમની સાથેના અન્ય એક શખ્સ ગાડીમાંથી ઉતર્યો હતો અને વોચમેનને માર માર્યો હતો. કિશનસિંહ અને બીજા શખ્સએ તું યુ.પીનો ભિખારી છે અને બે પૈસાની નોકરી છે.

                ગુજરાતમાં કોઈ ગાડીચાલકને ગાડી હટાવવાનું કહેવાનું નહીં કહી ફરી માર માર્યો હતો. જેથી સોસાયટીના લોકો વચ્ચે પડી અને છોડાવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી બંને જતા રહ્યા હતા. એકાદ કલાક પછી બંને પરત આવ્યા હતા અને કિશનસિંહે સોસાયટીના ચેરમેનને પણ હું ગુજરાત ભાજપનો અભિવક્તા છું. તારા જેવા ૫૦૦ ચેરમેનને ખિસ્સામાં લઈને ફરું છું કહી ધમકી આપી હતી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે, ભાજપના નેતાઓની પ્રકારે ખુલ્લેઆમ દાદાગીરી અને મારામારીના કારણે રાજકીય વાતાવરણ તો ગરમાય છે પરંતુ સાથે સાથે ભાજપની પ્રતિષ્ઠાને ગંભીર હાનિ પહોંચી રહી છે, તે પણ પક્ષના ટોચના નેતાઓ અને મોવડીમંડળે ધ્યાને લેવું જોઇએ.

(10:55 pm IST)